પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨


“વાહ, શેઠજી, વિવાહથી રળીયામણું શું ?”

“જો, ત્યારે હવે આ મ્હારા સાળાએ આજ સુધીમાં મને ભમાવ્યો તે પણ મને આજ જ સુઝે છે. મ્હારી ઘેલાઈમાં એનાં કામનો હું વિચાર કરતો ન હતો; પણ એનાં સઉ કામ ઉપર મ્હારી આંખ ર્‌હેતી તે જે જે જોયું અને થવા દીધું એ સઉનો ફરી વિચાર કરતાં મ્હારો સાળો મને બડો ઠગ અને ધુતારો લાગે છે.”

"જી – ”

“જી બી નહી. ક્‌હે કે મ્હારું ધારવું ખરું છે કે નહીં ?”

હરિદાસ હસ્યોઃ “શેઠજી, આપે કાલે ધારેલું આજ ફેરવ્યું તેમ આજનું ધારેલું કાલ ફેરવશો નહી એની શી ખાતરી ? માટે થયેલી વાત કેમ થઈ તે પુછવા કરતાં આપને હવે શું કરવાનો વિચાર છે તે ક્‌હો, તેનો જવાબ દેઈશ. આપણી સરત પ્રમાણે ચાલો.”

“ઠીક, એમ ત્યારે. જો હું કંઈ મ્હારાં કાંડાં કાપી ધુતારાને કાગળ ઉપર સહી કરી આપવાનો નથી – ક્‌હે – બરોબર કે નહીં ? આમાં તો જવાબ દીધા વગર ત્હારે છુટકો નથી.”

“બરોબર, શેઠજી, આપની વાત સત્તર આના છે અને તેમાં હું છાતી ઠોકી હા ભણું છું.”

“બસ, હવે બીજી વાત. કાલ સવારે જમી કરી હું દુકાને આવીશ. પછી બીજી ત્રીજી વાત પડતી મુકી પ્હેલું કામ કરવાનું એ ધારું છું કે મ્હારા સાળાના હાથમાંથી કુંચી, પેટી, ચોપડા, વગેરે સઉ લઈ લેવું; એને એકદમ ક્‌હાડી મુકવો અને મ્હારા ઘરમાં કે દુકાનમાં કદી પગ મુકે નહીં એવી તાકીદ આપવી – ”

“એ વાત પણ બરોબર છે. પણ કાલને કાલ કરવું એ વિચાર કરવા જેવું છે.”

“વાત બરોબર છે તો વિચાર કરીશું. હવે ત્રીજી વાત. આ કાગળ ઉપર નામ લખેલાં છે એ બધા ગુમાસ્તાઓને ને મીલના માણસોને પણ દુર કરવાની યાદી; વાંચી જો.”

“યાદી વાંચીશ, પણ એ કામ હાલ કરવાનું નથી. એ સઉ પેટના ભુખ્યા પેટની ભુખે આપણું પણ કામ કરશે.”

“ઠીક ત્યારે હવે બીજી વાત. આને ક્‌હાડી મુકયો એટલે મ્હારું મ્હોટું કામ ત્હારે માથે – ”

"શું?"