પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪


શેઠ નરમ પડ્યા. “હા, ભાઈ હા. પડે. હવે તને મ્હેણું નહીં દેઉં. જો. સાંભળ. શેઠાણીએ કહ્યું કે મ્હારો ઘુતારો ભાઈ આવો છે એવી ખબર હત તો આમ ન થવા દેત ને આ ભાઈ તો મ્હારો દીકરો તે મને ભુખી મુકી સુશે નહી. સમજયો ? હરિદાસ, સમજયો? કે એ બાયડી સમજી પણ તું ભાયડો ન સમજ્યો ?”

“શેઠ ગમે એટલું પણ શેઠાણી જેટલી બુદ્ધિ ત્રણ ટકાના ગુમાસ્તામાં ન હોય. પણ આ તો તમને નાણી જોવા કહ્યું ન હોય ?”

“ઓ મુર્ખા ! હજી સમજયો નહીં. ભાઈએ તો બ્હેનને એવું પડીકું આપ્યું છે કે બનેવી ગાંડો થાય કે મરે! જો આ પડીકું !” શેઠે ખીસામાંથી ક્‌હાડી બતાવ્યું.

હરિદાસ ચમક્યો ને બોલ્યો: “હાય હાય, ધૂર્તલાલ તું તો માનવી કાયાવાળો રાક્ષસ જ !” – “શેઠ, હવે તમારી વાત ગળે ઉતરી. આ પડીકું શેઠાણીએ આપ્યું ?”

“ત્યારે બીજું કોણ આપે ? એને તો પોતાનો ચાંલ્લો વ્હાલો હોય કે એની ચુડી ભાંગે એવો ભાઈ વ્હાલો હોય?”

“હરિ ! હરિ ! શેઠ ખરું કહો છો. પણ – ”

"હજી પણ રહ્યું ?”

“ના, ના. પણ ભાઈનો પત્તો લાગતા સુધી શું કરવું ?”

“હું જાતે વાઘ જેવો બેઠો છું - સઉને ખાઈ જઉં એવો !”

“એ તો બરોબર. પણ જુવો ને અત્યારે જ જરા જરા તમને ઠીક નથી એવું –”

“એવું આગળ વધે તો?”

“હા.”

“વધે એમ તને લાગે છે ?”

“ઈશ્વરના ખેલ કોઈને ખબર છે ?”

“ના, એ તો ન કળાય. પણ - પણ – મ્હારું કાળજું ખસે ને ભાઈ જડ્યા ન હોય તો તેને ઠેકાણે તેટલો વખત ચંદ્રકાંત અને બુલ્વર સાહેબ કામ કરે.”

“હવે ચોકઠું સજડ બેઠું. મ્હારે સઉ કબુલ છે.”

“ત્યારે, જા, કાલ બાર વાગે દુકાને આવીશ ને ધુન મચાવીશ ને ધુતારાને ક્‌હાડીશ.”

હરિદાસે વિચાર્યું કે શેઠ અટકે એમ નથી. હરિ કરે તે સારા સારું એમ ધાર્યું ને ભાવિ વિચારી બોલ્યો.