પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫


“ઠીક છે, શેઠ. હું કાલ બપોરે મળીશ. પણ મને પોલીસ કમીશનર ઉપર તમારા નામની ચીઠી આપો.”

"શું કરવા ?”

“કાલે આપ દુકાને આવો ને ધુતારો તોફાન કરે તો અટકાવવા સીપાઈઓ રાખું.”

“ઠીક છે. એ ઠીક કહ્યું. લે, આ ચીઠી લખી આપું.”

શેઠ ચીઠી લખવા બેઠા. એ ચીઠી લખી ને તેની સાથે બીજી બુલ્વર સાહેબપર પણ લખી આપી. એ ચીઠીઓ હરિદાસને આપી: “જો, આ પોલીસના સાહેબની. ને આ ચીઠી બુલ્વર સાહેબ ઉપર છે. કાલે સવારે આ બંગલે એમને બોલાવી લેખનો બંદોબસ્ત કરાવીશું. क्षणं चित्तं क्षणं वित्तं क्षणं जीवति मानवः ॥ તેમાં મ્હારે તો બધુંએ “ક્ષણં ક્ષણં” છે. સાહેબ આવશે તો ભાઈના પણ સમાચાર મળશે.”

હરિદાસે ચીઠીઓ લીધી, ખીસામાં મુકી, અને ઉભો રહ્યો. શેઠ બોલ્યાઃ “હવે જા, એકદમ જા, ભાઈને શોધી ક્‌હાડ.”

અર્ધું ચિત્ત ઠેકાણે અને અર્ધો ભ્રમ. એ અવસ્થા દેખી હરિદાસની આંખમાં આંસુ આવ્યાં. લ્હોતો લ્હોતો જે થાય છે તે ઠીક થાય છે જાણી વધારે ગોઠવણ સારુ બોલ્યો.

“હા, શેઠજી, જાઉ છું.”

“ત્યારે જા.”

“પણ સવારે જ ધૂર્તલાલ પુછશે કે પુછાવશે કે લેખનું શું કર્યું ને હરિદાસની સાથે શી વાત થઈ તો શું કહેશો ?”

શેઠ વિચારમાં પડી ગરીબડા બની ગયા. “એ તો તું કહી દે તે કહું."

“કંઈ પાર જ ન આપશો. એમ જ ક્‌હેજો કે જે ક્‌હેવાનું તે તો હરિદાસને કહેલું છે તેને પુછો, ને બીજું બધું કાલ બપોરે.”

શેઠ ઉઠી હરિદાસને ભેટી પડ્યાઃ “વાહ, વાણીયા, વાહ. આ ત્હારી અક્કલ ક્યાંથી ચાલે છે? બરોબર યુક્તિ સુઝાડી. જુઠું એ નહીં ને સાચું એ નહીં, એમાં બધું આવી ગયું ને મ્હારે વિચાર નહીં, ક્‌હેવાનું નહીં, લપ નહી – જા ત્યારે. “કાલ બપોરે" – જા. પ્હેલું પછી ને બીજું બધું કાલ બપોરે – જા.”

હરિદાસ, દીન મુખ કરી, દુઃખી થઈ, સુખી થઈ નિ:શ્વાસ મુકતો, ઉમંગ આણતો, ભયથી ધડકતે હૃદયે, આનંદથી ઉછળતે હૃદયે, પરસ્પર વિરુદ્ધ દશામાં ખેંચાતો, અનુરક્ત સેવક, શેઠની સંભાળ માળીને અને