પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮


ધૂર્તલાલ નમી જઈને બોલવા લાગ્યો: “શેઠજી, કાલે વાત થઈ હતી તેનો વિચાર કર્યો !”

“હરિદાસે વાત કરી નથી ?”

“બરોબર નહી.”

“ વાત એ કે મને કંઈ સુઝતું નથી ને સુઝે નહી ત્યાંસુધી કંઈ કરવું નથી.”

“શેઠ, આપને ચિત્તભ્રમનો આરંભ થયો છે માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી.”

શેઠ તકીયે પડી, પેટીપર પગ લાંબા કરી, બોલ્યા: “ખરી વાત : અને તેથી જ હવે હું હુકમ કરુ છું કે તમને અત્યારથી મ્હારી દુકાનમાંથી રજા છે.” બુમ પાડી શેઠ બોલ્યા: “ગુમાસ્તાઓ, ધૂર્તલાલને કાંઈ પુછવાનું છે ? આ ઘડીથી એને હું રજા આપું છું.”

સઉ ગુમાસ્તાઓ દિઙ્‌મૂઢ બની જોઈ રહ્યા. ધૂર્તલાલ રાતોચોળ બની ગયો પણ વચનમાં શાંતિ રેડી બોલ્યો: “શેઠજી, આપને ચિત્તભ્રમ હવે જરુર થયો છે: આપનું ચિત્ત ઠેકાણે હોય તો તો રજા આપનાર ધણી છો પણ આપની આ સ્થિતિમાં મ્હારી બ્હેન ને મ્હારા ભાણેજનો હું વાલી છું અને આપના શરીરની સંભાળ પણ મ્હારે માથે છે, માટે આપ શાંત થાવ.”

“ધુતારા ! હું તને એકદમ બરતરફ કરું છું. અને આ ઘડી આ મકાન છોડી જવા હુકમ કરું છું. ચાલ, ઉઠ, અંહીથી !”

ધૂર્તલાલ ઉઠ્યો અને પાછો વળી બીજા ગુમાસ્તાઓને ક્‌હેવા લાગ્યો; “ભાઈઓ, શેઠ હાથમાંથી ગયા. બહુ દીલગીરીની વાત છે. એમને વશ નહીં રાખીયે તો કંઈ નવું જુનું કરી બેસશે.” કોઈએ ઉત્તર ન આપ્યો. એની આંખ આમ બીજી પાસ હતી એટલામાં શેઠ ઉઠ્યા અને ધકકો મારી એને ક્‌હાડવા લાગ્યા અને બુમ પાડવા લાગ્યા : “મ્હેતાઓ, બોલાવે મ્હારા ભૈયાઓને અને ભૈયા ન હોય તો પોલીસને. આ ચાંડાલ હવે મ્હારા મકાનમાં નહી.” શેઠની આંખ હરિદાસભણી ગઈ.

ધૂર્તલાલની નરમાશ ખશી. “હરિદાસ, બોલાવ પોલીસને. શેઠ ગાંડા થયા – મ્હેતાઓ, એમને ઝાલો – ઉઠો – જુઓ છો શું?”

ઠાકોરદાસ નામનો મ્હેતો પ્રથમ ઉઠ્યો, પછી બીજા મ્હેતા ઉઠ્યા, શેઠને ઝાલવા માંડ્યા, શેઠ સઉને ધક્કા મારી છુટા થવા અને બુમાબુમ