પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯

કરવા લાગ્યા. સઉ એક ખેસવડે શેઠને બાંધવાનો પ્રયત્ન કરવા લાગ્યા અને “શેઠ, ગાંડા થયા, ગાંડા થયા ” એમ બુમ પાડવા લાગ્યા.

આ સર્વના આરંભમાં જ હરિદાસ ધીમે રહી ઉઠ્યો અને બારીમાંથી પોલીસને હાક મારી. ઉભય પક્ષે પોલીસને પોતાની ગણી. જરાવારમાં પોલીસનાં માણસો ચ્હડી આવ્યાં, તો શેઠને સર્વે ગુમાસ્તાઓ બાંધે અને અંતે ધૂર્તલાલે કહ્યું, “હવાલદાર, શેઠ ગાંડા થયા છે અને તેથી મ્હેં એમને બાંધ્યા છે તેમને પકડી કોલાબે કે જ્યાં લેઈ જવા હોય ત્યાં લઈ જાવ.”

પોલીસવાળાઓમાંથી એક જણ બોલ્યોઃ “તુમહી તર શેઠજીલા ધરતા ના ?”

“હોય, આમહીચ ધરલા !” ધૂર્તલાલ ફુલી બોલ્યો.

“તુકોજી, પહીલા તર હ્યા ધૂર્તાલાચ હેંડકફ કરુન ઘ્યા. મગ હ્યા સર્વ મંડળીલા ઘ્યા, આણી શેઠજીના સોડુન દ્યા.”

ધૂર્તલાલ અને મ્હેતાઓ ગભરાયા, ઘડીના છઠા ભાગમાં ધૂર્તલાલ અને એના સર્વ મંત્રીયોને ચતુર્ભુજ કરી ચાર પાંચ સીપાઈઓને હવાલે કરી હવાલદારે કહ્યું. “તુકોજી, હ્યા લોકને શેઠજીલા ગેરકાયદેસર કૈદ કેલા તે આપણ પ્રજ્ઞક્ષ કેલા. આતાં કમીશનર સાહેબ કડે સર્વ મંડળીલા ઘેઉન તુહી જા. મી પુઢેં યેતો.”

સીપાઈઓ સર્વેને ઘસડી ગયા. શેઠ, હવાલદાર, હરિદાસ અને બે સીપાઈ રહ્યા. શેઠને છોડ્યા. તેમને બાંધ્યા હતા તે દુપટો મુદ્દામાલ ગણી લીધો.

“કાય, શેઠજી, આતાં કાય હુકમ આહે ?”

“હવાલદાર, હું પાછળ આવું છું અને સાહેબ પાસે આવી ફરીયાદી કરું છું, હાલ તમે જાવ.”

સલામ કરી હવાલદાર ગયો. પાછળ શેઠ અને હરિદાસ રહ્યા.

“કેમ, શેઠજી, જોઈ લુચ્ચાઓની હીંમત ?”

“હરિદાસ, મને પ્હેલે ઉગાર્યો ઈશ્વરે અને બીજો ત્હેં. આ ધુતારો તો મને ગાંડાની હોસ્પિટલમાં મોકલી દેવાનું કરતો હતો.”

“હા જી, મને ખબર છે. આ ચીઠીઓ વાંચો.”

નગરમાં વાત વાએ ચ્હડી. હો હો થઈ રહી. શેઠ ચીઠી વાંચે છે એટલામાં બુલ્વર સાહેબ આવ્યા. તેમની સાથે હાથ મેળવી ખુરસીપર બેસાડ્યા. બેસાડતાં બેસાડતાં શેઠ બોલ્યાઃ “ હરિદાસ, આ ચીઠીઓ સાહેબને પણ દેખાડીશું.”