પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧

અને ગપો વર્તમાનપત્રોમાં ઉપરાઉપરી આવવા માંડી અને ધૂર્તલાલ તથા શેઠ સઉની જીભે ચ્‍હડયા. આની સાથે સરસ્વતીચંદ્ર ન્હાસી ગયાની વાર્તા તેમ લક્ષ્મીનંદનના મનની અને કુટુંબની દુઃખ ભરેલી સ્થિતિનું વર્ણન પણ બહુ ચિત્તવેધક રીતે છપાવા લાગ્યું. બુલ્વર સાહેબ આ સર્વ વીગત પ્રસિદ્ધ કરવામાં સવિશેષ આતુરતા અને આગ્રહ રાખતા હતા, કારણ તેમના મનમાં એમ હતું કે સરસ્વતીચંદ્ર ગમે તેટલે દૂરના કોઈ ખુણામાં પડ્યો હશે પણ તેના વાંચવામાં ગમે તેમ કરીને પણ આ વર્તમાન જવા પામશે તો એનાં પિતૃવત્સલ મર્મસ્થાન ચીરાશે અને સર્વ આગ્રહ તથા મમત મુકાવી પિતા પાસે બોલાવશે.

લક્ષ્મીનંદનનું દુઃખ વાંચી પુત્રનું અંતઃકરણ દ્રવે એવી ન્હાની ન્હાની વાતો અને લક્ષ્મીનંદનનાં દુ:ખની હૃદયવેધક કવિતાઓ ગુજરાતી અને ઈંગ્રેજીમાં લક્ષ્મીનંદનનું દ્રવ્ય ખરચી બુલ્વર સાહેબે પુસ્તક–આકારે તેમ વર્તમાનપત્રો વગેરેમાં ઘડી ઘડી પ્રસિદ્ધ કરી. સરસ્વતીચંદ્ર પિતાને લખેલા પત્રની કાંઈક કડીયો શેઠને યાદ હતી તે પરથી નવી કવિતા રચી પ્રસિદ્ધ કવિ તરંગશંકરે “ગૂર્જરવાર્તિક”માં છપાવી કે,

“દુખી તું તે પિતાને શું !!
“ઝુરે ઘેલો, બીજું તે શું ?
“ઝુરે ઘેલો પિતા ત્‍હારો,
“ગણે છે દેહ ગોઝારો.
“હશે ભુલો સુતે કીધી,
“પિતાએ ચિત્ત ના લીધી;
“પિતાની ભુલ થઈ એક
“ખમે ના પુત્રનો ટેક !
“જગતમાં કંઈ પડ્યા જીવ,
“પિતાનો પુત્રમાં જીવ;
“અહો ભાઈ ! અહો ભાઈ!–”
“કંહી જીભ જાય સુકાઈ
“પિતાજી દે લક્ષ્મીને ગાળો–
“અરે મુજ પુત્ર ત્‍હેં ક્‌હાડ્યો.”
“નહી જોવું ! સદા રોવું !
"પિતાએ અાંસુ નહીં લ્‍હોવું!
“પિતાથી પુત્ર જો ન્યારો,
“પિતાને મૃત્યુનો વારો.”