પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩

પ્રમાદધનનો – અથવા બીજાનો જ – દોષ: “બુદ્ધિધન ! ત્હારી પાસે કોણ ક્‌હાડશે ?” એ પ્રશ્ને એનું મસ્તિક ભમાવ્યું, આ પ્રશ્રે કારભારે ચ્‍હડતા બુદ્ધિધનનું મસ્તિક વિચારમાં જ ભમાવ્યું હતું; [૧] તે સમયે એને એવી ભ્રાન્તિ પણ થઈ ન હતી કે આ પ્રશ્ન મ્‍હારા ઘરમાં ઉઠશે, મ્‍હારા રાજયતંત્રમાં ઉઠશે, મ્‍હારા પુત્રને માથે આરોપ આવશે, અને કૃષ્ણકલિકાનો વર તો શું પણ મ્‍હારી ગરીબ કુમુદસુંદરી પણ મ્‍હારા પુત્ર સામે મ્‍હારી પાસે આરોપ નહીં મુકી શકે અને ઉલટી આરોપનું પાત્ર થશે ! પુત્ર, ભાઈ, મિત્ર, અને એવા બીજા નિકટના સ્નેહી–સંબંધીયોરૂપ પીછાંવાળા પક્ષથી ઉડનાર કારભારીયો અને અધિકારીયોને અંતઃકરણ હોય તો તે અંતઃકરણને જગાડવા આ પ્રશ્નનો પ્રસંગ સમર્થ છે; એટલું જ નહી પણ એ જાગૃત થયેલો અધિકારી જુના સ્નેહના સંબંધના પાત્ર થયેલા મનુષ્યને પ્રસંગ આવ્યે શિક્ષા કરવાની શક્તિનું અભિમાન ધરાવતો હોય તો એ જ પ્રસંગ એ અભિમાન ઉતારી દેવાની શક્તિનો પણ અનુભવ કરાવે છે. પ્રમાદધનની વધારે વધારે કથા જાણતાં બુદ્ધિધનને આ પ્રશ્નના પ્રસંગે વધારે વધારે કંપાવ્યો અને આ અનુભવે વધારે વધારે નરમ કરી નાંખ્યો. દુષ્ટરાય આદિ મંડળદ્વારા જુલમ કરનાર શઠરાયમાં અને પ્રમાદ દ્વારા જુલમ કરનાર પોતાનામાં કાંઈક સરખાપણું લાગ્યું, એ સરખાપણું લાગતાં તેના હૃદયને અત્યંત દુ:ખ થવા લાગ્યું, અને એ દુ:ખરૂપ કાર્યનું કારણ નષ્ટ કરવા બળ અજમાવવાની યુક્તિ શોધવા લાગ્યો, “ મ્‍હારામાં ને શઠરાયમાં શો ફેર ?” – “શું મને પડેલાં દુ:ખ બીજા ઉપર પડવાનું હું સાધન થઈશ?” આ અને એવા પ્રશ્નો કારભારને બીજે ત્રીજે દિવસે બુદ્ધિધનના મસ્તિકને ખાઈ જવા લાગ્યા.

બનાવો એવા બન્યા હતા કે આ દુ:ખી મગજમાં દુઃખની ભરતીનો પાર રહ્યો ન હતો. નવીનચંદ્ર જતા પ્હેલાં વનલીલાદ્વારા પ્રમાદધનની કેટલીક વાતો સૌભાગ્યદેવીને અલકકિશોરી પાસે ગઈ હતી, તેમની પાસેથી બુદ્ધિધન પાસે ગઈ હતી, અને તેથી ઉત્પન્ન થયેલા દુઃખમાં બુદ્ધિધન નવીનચંદ્ર જતી વેળા જ પડેલો હતો તે આપણે જાણીયે છીયે, પણ એ વાતો કરતાં પણ વધારે દુ:ખની વાત હવે આવી. જે દિવસે કુમુદસુંદરી ગઈ તે જ દિવસે કૃષ્ણકલિકા અને પ્રમાદધનના સર્વ સંકેતની કથા વનલીલા અલકકિશોરી અને સૌભાગ્યદેવી પાસે કહી આવી. એ બે જણે પ્રમાદધનને બોલાવી, કોઈનું નામ દીધા વિના, વીગત કહ્યા વિના, બાંધ્યે ભારે, એને


  1. ૧. ભાગ ૧. પ્રકરણ ૧૮, પૃષ્ઠ ૨૭૭.