પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪

પિતાના નામને કલંક પ્‍હોચે એવી વર્તણુંક વીશે, મોઘમ ઠપકો દીધો. ઠપકો મળતાં અપરાધી ચિત્તે પોતાના અપરાધ વીશે જ આ ઠપકો છે એ કલ્પના સ્વીકારી, અને તેમાંથી બચી જવા કૃષ્ણકલિકાએ આપી મુકેલું શસ્ત્ર ઉઘાડી વાપરવા માંડ્યું. “મર્મદારક ભસ્મ” વાળા કાગળના ખીસામાં રાખી મુકેલા કડકા બતાવ્યા, કોપાયમાન મુખે ગરીબ કુમુદ ઉપર આરોપ મુક્યો, અને તે સર્વે સાંભળતાં જ માદીકરીના મનમાં વનલીલાએ કહેલી વાતની પૂર્ણ ખાતરી થઈ

સૌભાગ્યદેવીની અાંખમાં અાંસુ આવ્યાંઃ “અલક, મ્‍હારાં પૂર્વ ભવનાં પાપ ઉગી નીકળ્યાં, બ્રાહ્મણીને પેટે રાક્ષસ અવતર્યો ! શિવ ! શિવ ! શિવ ! ગરીબ ગાય જેવી મ્‍હારી વહુને કપાળે આ દુ:ખ ! હું જાઉ છું, અા દીકરાનું મ્‍હોં હું નહી જોઉ, તું જાણે ને ત્‍હારો ભાઈ જાણે ! અરેરે ! રાંકની હું દીકરી મહાપુરુષ જેવા ત્‍હારા બાપના ઘરમાં આવી, પણ મ્‍હારું રાંક ભાગ્ય ક્યાં જાય કે આ એમને કારભાર મળ્યો ને આ આજ મ્‍હારું સર્વસ્વ ગયું !!” પાણીથી ઉભરાતી અાંખે દેવી ઉઠી ચાલતી થઈ અને અનેક દુ:ખ સ્‍હેનારીથી આ દુઃખ ન સ્‍હેવાતાં પરસાળમાં જઈ જમીન ઉપર લુગડું પગથી માથા સુધી હોડી રોતી રોતી સુઈ ગઈ.

દેવી ગઈ અને અલક ભાઈ ઉપર કુદી ઉછળી, અને ભાઈની હડપચી ઝાલી રાતી અાંખે ગાજીઃ “એ ચંડાળ ! આ બુદ્ધિ તને રાંડ કાળકાએ આપી છે તે હું જાણું છું – ભાભી ગયા પ્‍હેલાંની આપી છે કે ભાભી જાય એટલે આ ત્હારું કાળું કરજે ! ધિકકાર છે તને લાજ ! લાજ ! ” ભાઈને ધક્કો મારી બ્હેન , આઘી ખસી ઉભી અને એના સામી આંખો ફાડી ઓઠ પીસી જોઈ રહી.

પોતાની વાત ઉઘાડી પડી જાણી પ્રમાદ ગભરાયો, પરંતુ રંક સ્વભાવવાળા ચોરને પણ ચોરી પકડાતાં છટકી જવાનો માર્ગ શોધવાની બુદ્ધિ સુઝે છે અને તે સુઝતાં બળ આવે છે.

“બ્‍હેન, તું અને દેવી તો ભોળાં છો. હું જુઠો, મ્હેં તો ગમે તેમ કર્યું, પણ આ અક્ષર તો તું ઓળખે છે જરા જો કે મ્‍હારો પુરાવો ખરો છે કે ખોટો.”

ચીડીના કડકા અલકે વાંચ્યાઃ

“હા, ભાઈ હા ! તને દિવસ થયા છે એટલામાં મને વરસ થયાં છે. ભાભીને કવિતા જોડતાં આવડી પણ તને અર્થ કરતાં ન આવડ્યો.