પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫

આવી કવિતા તો ભાભી રોજ લખતાં એમાં ત્‍હારો પુરાવો ક્યાં આવ્યો ?"

“અરે ઉતાવળાં બ્‍હેન, જુવો તો ખરાં કે આ ત્‍હારી ભાભીએ નથી લખ્યું પણ પેલા નવીનચંદ્રે લખ્યું છે !”

“ઓ ત્‍હારું ભલું થાય! એક ગોળો ન ફાવ્યો ત્યારે બીજો મુક્યો. નવીનચંદ્રે આ કાગળ ભાભીને આપ્યો હશે તે ભાભી એવાં મૂર્ખા કે તને આપ્યો હશે ખરો કની ?"

"ના, ત્હારી ભાભીના ટેબલ તળેથી હાથમાં આવ્યા !”

“તે ભાભી ગયા પછી આવ્યા કે એમની પુઠ પાછળ ત્‍હારા એકલાનું કહ્યું સાંભળીયે અને તું ક્‌હે તે સાચું માનીયે ને એમને પુછવાનો વારો પણ ન આવે ! એ તો, ભાઈ પેલી કાળકાની આપેલી અક્કલ ! પણ એ રાંડ જેવી તો સોને ત્‍હારી બ્‍હેન પ્‍હોંચે એવી છે. આ અક્કલ મ્‍હારા ભાઈની ન્‍હોય.!”

“ શાની હોય જે ? ભાઈની કાંઈ શરમ પડે? એ તો ભાભીની શરમ કે પછી નવીનચંદ્રની પડે ! હું પણ કંઈક જાણું છું.”

અલકકિશોરીને પોતાના ઉપર આરોપ આવ્યો લાગ્યો અને ક્રોધમાં ઉમેરો થયો. “બહુ સારું, ભાઈ આ બોલ ભાઈ નહીં સંભળાવે તો બીજું કોણ સંભળાવશે ? ખરી વાત છે. સોબત તેવી અસર. કાળકામાં હડહડતો કળિ હોય તો ત્હારામાં તેના છાંટા પણ ન આવે ? અરેરે ! ભાભી તો ગયાં, પણ આજ તો મને દેવીની દયા આવે છે ! – જા, જા –”

“લાવો પાછા અમારા કાગળના કડકા–”

“હં અં, ન્હાની કીકી છું ખરીકની?”

“ ત્યારે શું કરશો એને ?”

“એ તો દેવીને અને પિતાજીને બેને દેખાડીશ તે ત્‍હારો, મ્‍હારો, ને ભાભીનો બધાંનો અને ભેગો ત્‍હારી કાળકાનો પણ ન્યાય ચુકવશે. મને ક્‌હો છો તે બધું પિતાજીને ક્‌હેજો ને કાળકાને પણ ક્‌હેજો કે, રાંડ, ત્‍હારું ચાલે તે કરી લેજે – ભાઈ તો આખરે ભાઈ – પણ કાળકાને તો ગામમાંથી ક્‌હાડ્યા વગર રહું નહીં !”

“મ્‍હારી પાસે તો આ પુરાવો છે પણ તમારે શો પુરાવો છે?”