પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭

ન બોલાતાં લજજા અને ભયને માર્યે કાંઈ અકાર્ય થઈ જશે અને સઉ પાછળથી પસ્તાશે. ન્હાની વાત કોઈ જાણતું નથી તેને મ્‍હોટી કરી બધાંને જણાવશો. આ હું તો એમ ગણું છું કે આપનાં કુટુંબમાં સર્વ વાતે સંપૂર્ણતા થવા આવી હતી તે થાત અને છાજત નહી અને લોકની નજર પડત તો કાંઈ ભારે વિપત્તિ માથે પડત તેને ઠેકાણે આ સુળીનો ઘા સોયે ગયો સમજી સઉ વાત પડતી મુકો અને ઈશ્વરનો પાડ માનો. ઘેર ઘેર હોય છે તેમ તમારે ઘેર ન્‍હોતું તે આ થયું. જુવાનીનો કાળ છે તે પોતાનો સ્વભાવ બતાવ્યા વગર કાંઈ ર્‌હેતો નથી. ને ખરું પુછો તો લ્યો કહી દઉ છું કે હાડ જશો તો છોકરો કાંઈ ન કરવાનું કરી બેસશે ને પછી હાથ ઘસીને ર્‌હેશો. વહુ ગઈને છોકરો પણ ગયો તો પગ, હાથ, ને નાક ત્રણે વાનાં બગાડ્યાંનું થશે. માટે જે કરો તે વિચાર કરીને કરજો કે સાહસ ન થાય.”

“જોઈશું. પ્રાત:કાળે અવશ્ય આવજે. આવે ત્યારે સાથે વનલીલા અને કૃષ્ણકલિકાના વરોને લેતો આવજે.”

“ તેમનું શું કામ છે ?”

“ સવારે કહીશ.”

“એ તો હું કાંઈ ન સમજું એવું પ્રયોજન નથી. આપની આજ્ઞા પાળીશ. પણ सहसा विदधीत न क्रियाम्[૧] એ વાકય ભુલશે નહીં.”

“એ તો જે થશે તે તને પુછયા વગર કાંઈ થવાનું નથી. વારું, કુમુદનું શું કરીશું?”

“એ કામ કરવાનું પુછો તે તો ઉતાવળે કરવાનું ખરું. નદીમાં તણાયાં ને સાંજ સુધી જડ્યાં નહીં એટલે ગાડીવાન આવ્યો. આ શીવાય એને વધારે ખબર નથી.”

“એમણે નદીમાં દુઃખને માર્યે પડતું મુક્યું એ વાત એણે તને કહી ? ”

“એ તો અમસ્તો.”

બુદ્ધિધને નિઃશ્વાસ મુક્યો. “ઠીક છે, પણ પ્રાતઃકાળ પ્‍હેલાં એમની તપાસ કરવા પચીશેક હોંશીયાર માણસો મોકલવાં, વિદ્યાચતુરને પણ જઈને મળે.”

“ આ વાત બરાબર.”


  1. * કોઈ ક્રિયા સહસા કરવી નહી.