પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧

છે, અને ભાઈ તો દેવીને પેટ રાક્ષસ અવતર્યો હોય એવો થઈ ગયો છે. ને તમે પણ કાંઈ ભાભીની તપાસ નથી કરતા !” .

“અલક, ત્હારી ભાભીની તપાસ નહી કરીયે ત્યારે કોની કરીશું ? જા, પુછ નરભેરામને કે પ્રાતઃકાળે અંધારામાં માણસોએ શોધ કરવા જવું એવું બંદોબસ્ત કર્યો છે કે નથી કર્યો ?”

“તે કીયાં માણસોને મોકલો છો ? ભાઈના મળતીયાને ન મોકલશો. એ લોક તો એમને મારી નાંખશે.”

“એમ તે કોઈ કરતાં હશે ?”

“ના, ભાઈને તો તમે બસો રુપીયાનો પગાર કર્યો એટલે સારો ! એના પગારનું શું થાય છે તેનો હીસાબ કોઈ દિવસ જુવો છો ?”

“કેમ એ શું પગારનું કરે છે?”

“આ જુઓ, મ્હારામાં ને ભાભીનામાં ફેર છે. મ્હારે નાકે તો માખી બેસવા આવેકની તો હું મસળી નાંખું. ને ભાભીની પાસે તો ભમરો આવે ત્હોયે હળવે રહીને લુગડું આડે ધરે કે રખેને ભમરાને ઝાપટ વાગે ! આ બે રાંડો એક કાળકા ને બીજી કોક ગુણકા પદમડી છે તેણે ભાઈને ફોલી ખાધો ને એ બે ને ત્રીજો ભાઈ ત્રણેનાથી ભાભીયે છુટવા સારુ આ કર્યું છે – લ્યો – એ તો નક્કી એમણે નદીમાં પડતું મુક્યું અને આપણું રત્ન ગયું.” – અલકકિશોરી રોઈ પડી ને રોતી રોતી બોલી. “હવે તે કેમ જીવ્યાં ર્‌હેવાશે ? મ્હારા બાપ !” માથું પછાડી અલક પિતા પાસે ગાદી પર પડી, ઝીણું ઝીણું રોતી વનલીલા તેને ઝાલી રાખવા જતાં એની પાછળ પડી ને અલકના મ્હોટા શરીર નીચે એનો હાથ ડબાયો. બુદ્ધિધને બેને ઉઠાડ્યાં અને છુટાં કર્યા.

અલક બેઠી. “ પિતાજી, હવે તો એક તમે આમાંથી ઉગારો ત્યારે.ભાભી જવા બેઠાં તે રહેવાતું નથી; તેમાં આ ભાઈ એમની પાછળ ગમે તે બકે છે ને ઉલટો ચોર કોટવાળને દંડે તેમ થયું છે હોં ! તમે એને બ્હેંકાવસશો નહીં હોં ! આ ભાભી મરતાંને મેર ક્‌હે નહી તેને મુવા પછી આ મુકવાનો નથી ને સઉ ઉભાં ને ઉભાં બળી મરીશું, દેવીનો તો અત્યારથી જીવ ખસ્યો છે.”

“બ્હેન, સઉનો રસ્તો થશે.”

“પણ તમે શું માનો છો?”