પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩


ન્યાયવિચારના સંશોધનને અંતે સિદ્ધાંત બંધાતાં મનમાં પુત્રની મલિનતા સિદ્ધ થતાં, કુમુદનું દુઃખ અને તેને માથે ગુજરેલો અન્યાય સ્પષ્ટ થતાં, તેમના સગા આ ન્યાયાધીશનું મ્હોં ઉતરી ગયું – પ્રાતઃકાળ થતાં ચંદ્ર નિસ્તેજ થઈ જાય તેમ દીન થઈ ગયું. કૃષ્ણકલિકાના વરને પણ અન્યાય થયો છે - એ વિચારથી દીનતા વધી. કુમુદસુંદરી જીવતી જડો કે ન જડો પણ એણે આ દુષ્ટની કૃતિઓથી કંટાળી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરેલો સંભવિત લાગ્યો તેની સાથે બુદ્ધિધનના મુખ ઉપરથી દીનતા પવનની ઉરાડેલી ભસ્મ પેઠે ઉડી ગઈ અને તેને સ્થાને ક્રોધના અંગારા ઉઘાડા પડી મુખ ઉપર ભભુકવા લાગ્યા.

“દુષ્ટ ! મ્હારી પ્રતિજ્ઞા છે કે મ્હારો સંબંધી હશે તેને માથે પણ આરોપ સિદ્ધ થતાં હું શિક્ષા કરીશ ! પ્રમાદ ! તું હવે મ્હારો પુત્ર નથી અને હું ત્હારો પિતા નથી !”

વળી વિચાર થયો કે પુત્રને શિક્ષા કરી મ્હારાથી દૂર કરીશ તો એનાં પુણ્યપાપની ભાગીયણ થવાને સૃજાયલી ગરીબ કુમુદને પણ વગર શિક્ષાએ જ શિક્ષા થવાની ! “ત્યારે એવી શિક્ષા શી રીતે કરવી કે અપરાધી પ્રમાદને શિક્ષા થાય અને નિર્દોષ કુમુદ એમાંથી બચે?” આ પ્રશ્ને એનું મસ્તિક વળી ભમાવ્યું. વિચાર થતાં થતાં ગાદીઉપર હાથ પછાડ્યો અને બડબડ્યો.“વિદ્યાચતુર, તમારું ક્‌હેવું ખરું છે, એવો શો કારભાર કરીયે કે અન્યાય કરીયે તો નિરપરાધી દંડાય ને ન્યાય કરીયે તો આપણે દંડાઈયે? ન્યાય કરવો હોય ને આપણે જાતે દંડાવું ન હોય તો દંડાવાનો પ્રસંગ જ આવવા દેવો ન જોઈએ ! એવો પ્રસંગ ન જોઈતો હોય તો સંબંધી પુરુષને શિક્ષા કરવાનું ઠેકાણું ન રાખવું જોઈએ – ભાઈ ભાંડુને તાબામાં પ્રથમથી જ સમજીને ન રાખવા ! આ તો પાણી પીને પુછે ઘર તે ક્‌હેવો તે બીજો ખર – તે ખર હું!”

“ત્યારે હું જ રાજીનામું આપું તો ! મને યે શિક્ષા અને પુત્રને પણ શિક્ષા ! શું હું પણ શિક્ષાને લાયક નથી ? ભવિષ્ય ગમે તેમ સુધારો, પણ ભૂતકાળમાં મ્હારી ભુલોથી જે જે અનર્થ થઈ ગયેલા હું દેખું છું – અને ઘણાક તો હું દેખતો પણ નહી હઉં – જે જે દુ:ખ કૃષ્ણકલિકાના વર જેવા અનેકને માથે અનેકધા પડવાનું સાધન – મ્હારી રાજ્યનીતિની ભુલો – થઈ પડી હશે - એ સર્વ ભુલોનું, અનર્થોનું અને દુ:ખોનું જોખમ અને પાપ – બુદ્ધિધન ! ત્હારે માથે નહી તો કોને માથે ?