પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮

પોતાના હાથમાં સરકારે લેઈ લીધો તે તેમની પોતાની સેનાઓ વડે આપણું રક્ષણ કરવાની સરતે લીધો છે; એવાં રક્ષણમાં આપણી સેનાઓ આપવા આપણે બંધાયા નથી. ઈંગ્રેજોનાં બીજાં સર્વ સંસ્થાનો કરતાં, અને જર્મની તથા યુનાઈટેડ સ્ટેટ્સનાં અવયવો કરતાં, આપણી આટલી વધારે સત્તા છે. આપણે સરકારને આવામાં આશ્રય આપીએ તે એમના ઉપર ઉપકાર.”

“સરકારનાં ઉત્તમ – colonies – સંસ્થાનની પ્રજા જેવી આપણી પ્રજાને નહી કરીયે તે એ પ્રજામાં દેખાદેખીનો ક્ષોભ થશે ને ચંદ્રકાંતનો વર્તારો ખરો પડશે.”

“એ ક્ષેાભ ન થવા દેવા જેવું આપણે રાખીશું, પણ હાલ સામ્રાજ્યનાં સામાન્ય લાભમાં ચક્રવર્તી પર ઉપકાર કરતા હઈએ તેમ જે આશ્રય આપીએ છીયે તે આશ્રય આપવામાં કૃપણ થઈશું તો મોડાં વ્હેલાં જર્મનીનાં અવયવરાજ્યોની પેઠે આપણને ચક્રવર્તી બળ કરી ખેંચશે અને પ્રવીણદાસનો વર્તારો ખરો પડશે. સમુદ્રવ્યાપાર, રેલવે, વીજળીના તાર, અને સામ્રાજ્યરક્ષણમાં આશ્રય, આદિ અનેક વિષયો આવા આશ્રયની વાત છે. હાલ જે ઉપકાર કરી નહી આપીએ તે કાળક્રમે આજ્ઞાથી આપશું, અને તે કઠણ સરતો પાળી આપશું.”

“આવા વિષયોમાં, અને સરકારને હાથે લેવા પડતા ન્યાયના વિષયોમાં, ચક્રવર્તીનો અધિકાર રાજાઓની સામ્રાજ્યસભાને સંપાય એ પ્રસંગને માટે અનેક જાતની ઉદ્‍ભાવક બુદ્ધિનો ઘણા કાળ સુધી આગ્રહ જોઈએ અને એ દિશામાં પુરુષપ્રયત્નનો આરંભ થવાને પણ હજી ઘણી વાર છે. આ આરંભ થવા આવતા પ્હેલાં આપણી વ્યવસ્થા હશે કે અવ્યવસ્થા હશે તે ઈશ્વર જાણે.”

વિદ્યાચતુર બોલતો બંધ પડ્યો. મણિરાજે સર્વને પુષ્પ, પાન અને સુગન્ધ વ્હેંચ્ચાં, અને સર્વે હસતે મુખે ઉઠે છે તેવામાં એક માણસે મૂળરાજને એક ચીઠ્ઠી આપી, મૂળરાજે મણિરાજને આપી, મણિરાજે તે વાંચી અને શોકમાં પડી પ્રધાનને કહ્યું.

“પ્રધાનજી, આપ હવે સત્વર ઘેર પધારો.”

વિદ્યા૦ - “મહારાજ, એ સમાચાર કુમુદના હશે એમ હું ધારું છું. મ્હારું એ પુષ્પ કરમાઈ ગયું.”

મણિરાજ - “આપના પિતાજી પાછા ફરવાના સમાચાર આ ચીઠીમાં છે.”