પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩

સોનાને કડકો કાપી પણ જાય ને મેરુનો ઉપકાર માની કામ કરે. પણ ભુલ્યે ચુક્યે આપણે જાતે “સોનું લ્યો ” એમ ક્‌હેવું નહી. કારણ એ માત્ર સોનાની શેાભા જોતો હોય અને આપણે “લ્યો” કહીએ તો ફસાઈએ. આપણી શોભા જોઈને જ આપણા પર પ્રીતિ કરે એવા સાહેબ પણ હોય છે. તેની પાસે જોવાના મેરુ થવું.”

“સોનાના મેરુ થઈ શકવાની ઉદારતામાં કે કળામાં આપણે ન્યૂન હોઇએ તો સામાને આપણું ઘર પઈસાનું ખાલી અને માણસ વગરનું શૂન્ય દેખાડવું, આપણી પાસે તેને લલચાવવાને કોડી નજરે જ પડે નહીં, આપણી ચાડી ખાવાને ઘરમાં કોઈ માણસ દેખાય નહી, અને જાતે ઘર શૂન્ય જોઈ જોનાર ચાલ્યો જાય ને આશા રાખે નહી ને થતું થવા દે એ પણ એક માર્ગ છે.”

“આ છેલ્લી બે કળાઓ ચતુર માણસને વશ કરવાની છે, મૂર્ખને વશ કરવા નટ થવું અને નાટક કરવાં – જેમાંના એકને વીરરાવ માખણ ક્‌હે છે તે."

"સામો સાહેબ ડાહ્યો અને સદ્ગુણી હોય તે તેના ઉપર હૃદયમાંથી ભક્તિ રાખવી અને બ્હારથી સરખાપણે મિત્ર થવું; હૃદયમાં તેના દાસના દાસ થવું, અને જગતની આંખે આપણો મોભો હલકો ન થાય એવો મિત્રાચાર પ્રકટ રાખવો. જે લેતાં આવડે તે પૃથ્વીમાં સોનાનાં ફુલની વાડીઓ ઠેકાણે ઠેકાણે છે, શૂર, વિદ્યાવાન અને સેવા કરી જાણનાર તે ફુલો ચુંટે છે.*[૧] મણિરાજ, રાજાઓ કાળને રચે છે અને આપત્તિકાળને સ્થાને સંપત્તિકાળ કરી નાંખે છે તે આવી કળાઓથી ને આવાં ફુલ ચુંટીને. આખો રજવાડો અકબર બાદશાહની સેવા કરતો હતો. સાહેબો મહાત્મા હોય તો તેમના ભક્ત મિત્ર થવામાં બાધ નથી. બીજી રીતના નાશ પામવા પ્રજાને પરવડે, પણ જેની વર્તણુકમાં એ પ્રજાનાં સુખદુ:ખ રહેલાં છે તે રાજાને મમત પરવડે એમ નથી.”

“આ પ્રમાણે જેવો સામો માણસ તેવા આપણે થવું, અને જે કળાથી તેની સાથેના વ્યવહારમાં આપણું કલ્યાણ થાય તે કળા વિવેકથી વાપરવી, એવું આપદ્ધર્મના પ્રકરણમાં ભીષ્મપિતામહે ધર્મરાજનેજ ધર્મવચન કહેલું છે. સરકારના ધર્મરાજ્યમાં એમના સાહેબો આપણને આપત્તિમાં


  1. * सुवर्णपुष्पितां पृथ्वीं चिन्वन्ति पुरुषास्त्रयः ।
    शूरश्च कृत- विद्यश्च यश्च जानाति सेवितुम् ॥