પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪

આણે ત્યારે આપણે પણ કોકિલ, વરાહ, મેરુ, શૂન્ય મ્હેલ, નટ, અને ભક્તિમિત્ર એ છમાંથી જે ઘટે તે રૂપ રાખવાનું છે.[૧] આ વૃદ્ધોના મહાન અનુભવનું વાકય છે. આપણ રાજાઓની તે કાળે કાળે કળાઓ.”

“મણિરાજ, પ્રારબ્ધ અને દેવ એ બે વાનાં પ્રજાને માટે છે પણ પ્રજાનું કલ્યાણ કરવામાં અને રક્ષણ કરવામાં રાજાએ પ્રારબ્ધ ન માનવું પણ પુરુષપ્રયત્ન જ માનવો એવું તમારા પ્રધાનનું વચન અક્ષરે અક્ષર સત્ય છે. પ્રારબ્ધ માનનાર રાજા નષ્ટ થાય છે. પ્રારબ્ધ અને સંતોષ સ્ત્રીઓને અને બ્રાહ્મણોને માટે છે. પ્રજાનાં પ્રારબ્ધ રચવાનો ને ફેરવવાનો અધિકાર ને ધર્મ રાજાને માટે છે માટે જ તેમાં ઈશ્વરનો અંશ ક્‌હેવાય છે. મણિરાજ, સરત રાખજો કે આપણે તો કાળે કાળે કળાઓ કરવાની છે. કાળ આપણા ઘોડા ને કળા એની લગામ !! પ્રારબ્ધથી ડરી એ લગામ કદી મુકી દેશે નહી! ”

અનુભવી અને ચતુર શ્વશુર-રાજના ઉશ્કેરાયલા હૃદયમાંથી, તાકતી આંખોમાંથી, ને સ્થિરધીર મુખમાંથી નીકળતો આ સૂક્ષ્મ ઉપદેશ જામાતૃ-રાજ અત્યંત ધ્યાનથી અને એકાગ્ર ઉત્સાહથી સાંભળતો હતો અને એ બે શત્રુ કુળમાં મૈત્રી રચવાની પ્રતિજ્ઞા લેનાર મૂળરાજ આ ઉપદેશના ઉદ્દારથીજ પોતાની પ્રતિજ્ઞા સંપૂર્ણ સિદ્ધ થઈ સમજાતાં પોતાની રાજભક્તિના વૃક્ષને સફળ થયું માની તૃપ્તિ-સુધા પીતો હતો, તેવામાં પ્રથમ તેમના સ્વાર અને પછી તેમના ઘોડાઓ મલ્લરાજના પુત્રના મ્હેલના બાગના ભવ્ય દરવાજામાં ખોંખારતા ખોંખારતા પેંઠા – તેની સાથે ભાગ્યશાળી મલ્લરાજની પવિત્ર ચતુર અને ઉદાર રાજનીતિનો આ ફાલ એ ત્રણે જણના હૃદયમાં ઉદય પામ્યો. એ ફાલને પુષ્પે પુષ્પે લખેલું હતું કે સાત્વિક રાજનીતિનો પોષક ધર્મરાજા જીવતાં સ્વર્ગ ભોગવે છે, અને પાછળના રાજાઓ અને તેની પ્રજાઓ, એવી સગર્ભ રાજનીતિનાં પુણ્ય ફળને ભોગવી, એવા ધર્મરાજના અમર આત્માને અમર પ્રેયસ્કર ગતિ આપે છે ને क्षीणे पुण्ये मृत्युलोके वसन्ति એ શાસ્ત્ર આ અક્ષય પુણ્યવાળા મહારાજને કદી અડકવા પામતું નથી.


  1. *कोकिलस्य वराहस्य मेरोः शून्यस्य वेश्मनः।
    नटस्य भक्तिमित्रस्य यच्छ्रेयस्तत् समाचरत्।।
    શાંતિપર્વ