પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮


“ચંદ્રાવલી બ્હેન, હું તે પ્રસંગે જરુર અંદર આવીશ. ત્યા સુધીમાં બ્હાર આ સમુદ્રનાં મોજાંમાં નાચતી ચંદનીથી અને તેમાં થઈને આવતા પવનથી મ્હારું મન જરી શાંત કરી લેઈશ. એ ગરબે આવનારાં પાસે હું ઉપદ્રવરૂપ થાઉં નહી. ઓ બ્હેન, હું તમને બહુજ કનડું છું–ખરી ?” દયામણે મુખે કુમુદ પાછું જોઈ બોલી.

“માજીના ધામમાં આવી દીકરીઓ પોતાની વરાળ ક્‌હાડે એ તેમનો અધિકાર છે. વારું, બેટા મધુરી, પણ તું કાંઈ ગાઈ લાગીશ?"

“ શા વાસ્તે ન ગાઉં ? પણ મને તો મ્હારા હૃદયની કથાના ઢાળ ગાતાં આવડશે અને એમાં તો પુરુષની વાત આવે તે માને કુંડું ન પડે?"

નાક નીચે બે આંગળીયો ધરી, થોડી વારે તેને કુમુદના સામી ધરી ચંદ્રાવલી ક્‌હેવા લાગી: “ બ્હેન, આ બેમાંથી એક આંગળી ધાર જોઈએ !”

ધીરે રહી કુમુદે એક આંગળી ઝાલી.

“ચાલ બ્હેન, માજીની આજ્ઞા આવી. ત્હારે ગાવું હોય તે ગાજે"

“ત્યારે તમે જાવ હું અંહીં બેઠી બેઠી ગોખી મુકીશ.”

ચંદ્રાવલી મ્હડીમાં ગઈ અને કુમુદ એકલી પડી. મ્હડીમાં સ્ત્રીઓ એકઠી થતી હતી અને તેમના પરસ્પર મિશ્ર સ્વર બહાર આવતા હતા. સમુદ્રનાં ચ્હડતાં અને કીનારા સાથે અથડાતાં મોજાંનાં ઘડીયે ઘડીયે થતા પછાડાની ગર્જના એ સ્વરોને પોતાનામાં મેળવી દેતા હતા. કુમુદના કાન આગળ આ તોફાન થતું હતું અને ચિત્તને શાંત કરવા પ્રયત્ન કરતું હતું. સંસારની વિચિત્ર ગર્જનાઓમાંથી છુટી શાંત સ્થળે આવેલીના કાનમાં આ મોજાંઓના ઉછાળા અને ગર્જનાઓ અવ્યક્ત પણ પ્રિય અક્ષરનો સેક કરતાં હતાં અને તેમના અભિષેકથી આ ત્હાડકે એના હ્રદયાગ્નિના અંગારાને કજળાવી નાંખ્યા અને તે અંગારાને સ્થાને સુક્ષ્મ ઉષ્ણ ભષ્મ રહી. જડ સૃષ્ટિના તોફાને મનુષ્ય સૃષ્ટિના ઉદ્વેગને શાંત કર્યા.

થોડીક વારે કુમુદ કંઈક ટટ્ટાર થઈ અને મસ્તક ઉંચું કરી આસપાસ દૃષ્ટિ ફેરવવા લાગી. પાણી ઉપર ચંદની ફરી વળતી હતી અને રુપેરી