પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯

સંધાતાં મોજાંમાં એનો પ્રકાશ અંદર સરી જતો હતો, ભાગતો હતો, સંધાતો હતો, અને વાંકોચુકો થતો હતો. છતાં ચંદની એવી ને એવી કોમળ સુંદર લાગતી હતી. ઉંચી થતી અાંખ એ દશાને જોવાં લાગતાં કુમુદને પ્રીતિચંદ્રિકા જેવી, સુન્દરતાની મૂર્તિ જેવી, અને કોમળતાના આત્મા જેવી, પોતાની સાસુ સાંભરી આવી.

“અરેરે ! મ્હારા જેવી કૃતઘ્ન કોઈ નથી. સમુદ્રનાં મોજાં જેવા સુખદુ:ખમાં ત્રુટતા સંધાતા કાળજાને આ ચંદ્રિકા જેવું જ સુંદર કોમળ રાખનાર મ્હારાં પૂજય સાસુજી તો જગતમાં એક જ જન્મ્યાં છે. એમની પ્રીતિનો બદલો વાળવાનો તો રહ્યો, પણ આ મ્હારા કૃત્યથી એમના હૃદયને કેટલો શોક થયો હશે ? એમના કોમળ સ્વભાવ ઉપર કેવો ઘા પડ્યો હશે ? એમની વત્સળતાને કેટલું ઓછું આવ્યું હશે ? એમને જીવવું કેવું અળખામણું થઈ પડ્યું હશે ? એમનો દિવસ કેમ જતો હશે ? એમને રાત્રે કેવા ઉજાગરા પડતા હશે ? ઈશ્વરે એમના જેવા સુપાત્રમાં મુકેલા સૌભાગ્યકુંકુમમાં હું દુષ્ટાએ દુર્ભાગ્યનો કોયલો નાંખ્યો ! એમના જેવાં ઉદાર અને મ્હોટા હૃદયનાં સાધુજનને મ્હારા જેવી કાળી નાગણે દંશ દીધો ! એમનાં જેવાં જગદમ્બાનો મ્હેં પાપણીએ તિરસ્કાર કર્યો ! ઓ ગુણીયલ ! તું મ્હારી મા છે પણ મ્હારાં દેવી તો ત્હારા સ્વપ્નમાં પણ ન આવે એટલી મને ગણે છે અને ઢાંકે છે એમનું કર્યું ત્હારાથી કદી થવાનું નથી. મ્હેં એમનો એવો અપરાધ કર્યો છે કે – ગુણીયલ, ત્હારે મ્હારું મ્હોં પણ ન જોવું જોઈએ. પણ આવા સહસ્ત્ર અપરાધોને અંતે હું જે મ્હારી રાંક દેવી પાસે જાઉં તો એમના જીવમાં જીવ આવે ને મને છાતી સરસી ડાબે ! અરે, એમણે પેટના દીકરાને કે દીકરીને ગણ્યાં નથી એટલી મને ગણી છે, ઓ પરમેશ્વરી ! હું ત્હારે ખોળે પડી છું તે મને કંઈ એવો માર્ગ દેખાડ કે હું રંકને હાથે લાગેલું એ દેવી-રત્ન પોતાનું તેજ ન ખુવે. મને માર્ગ સુઝતો નથી. મને શું સુઝ્યું ? મને તે બ્હારવટીયે નદીમાં ખેંચી લીધી કે હું જાતે પડી ? હું જાતે જાણી જોઈને પડી કે વિચારમાં ને વિચારમાં પડી ગઈ? વિચારમાં પડીને પડી કે રેતી સરીને પગ સરી ગયો ? મને કાંઈ સાંભરતું નથી, સુઝતું નથી, સમજાતું નથી, અને મ્હારાથી કંઈ કલ્પાતું પણ નથી.”

ઘડી વાર નીચું જોઈ રહી વળી ઉંચું જોયું ને પવનની લ્હેરો જોરથી સમુદ્રપર અથડાતી સાંભળી, ને કુમુદ બોલી ઉઠી.