પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫

“પ્રિય સરસ્વતીચંદ્ર ! મરણમાં તમારા હેમ્લેટ્ જેવી બ્હીક મને લાગતી નથી !

“જીવ્યું જોઈ ગાંડી થઈ હું તો,
“મરણપર મોહી પડી છું હો ! જીવ્યું૦
“જીવ્યું મુકી જાવું જડે કંઈ તો
“નરકમાં યે સુખ વિશેષ જ હો ! જીવ્યું૦
“અમુઝણ છોડી, છુટાય જ, તો,
“મરણ પછી પથ ગમે તે હો ! જીવ્યું૦
“આંખ મીંચી જાવું ગમે ત્યાં હો !
"બાપુ જમ ! ઘસડ ગમે ત્યાં જો !'

તેનો સ્વર બંધ થઈ ગયો. ધીરે ધીમે પણ સ્થિર પગલે હવે તે આગળ ચાલવા લાગી. તેની દૃષ્ટિ સામે જ જોઈ રહી હતી; આગળ, પાછળ, ઉંચું કે નીચું, જોતી તે બંધ રહી. તેના પગને સામેથી મોજાનાં ધસારા અટકાવી ન શક્યા, તેમ પાછાં વળતાં પાણીના હેલારાથી તે ધક્‌કેલાઈ પણ નહી. એની ગતિ હવે એની પોતાની જ હતી અને તેની સ્વતંત્રતાને વધારવા ઘટાડવા જગત અશક્ત નીવડ્યું. એની આંખમાં આગ્રહનો આવેશ તેજ ધરી ચ્હડ્યો અને દાંતની હારોએ કોમળ પાંદડાં જેવા બે ઓઠને કરડી કબજે રાખી લીધા. નવી જન્મેલી હાથણીની પેઠે નાજુક કુમ્ભ, સ્થળ આગળ કરી એની છાતી એના કોમળ પગને ખેંચવા લાગી. શરીર અને મનને બળવાન સાંકળથી બાંધી બાળા આમ આગળ ચાલવા લાગી અને એની સત્તા અપ્રતિહત થતી લાગી ત્યારે માત્ર એના આંસુએ એની આજ્ઞા પાળવા ના પાડી, અને એ આજ્ઞાને બળે પડેલાં આંસું સુકાવા પામતાં તે પ્હેલાં એ આજ્ઞાનો તિરસ્કાર કરી નવાં આંસુ આગળ ધસી આવતાં હતાં, અને આંસુના પ્રત્યેક બિન્દુમાં સરસ્વતીચંદ્રની છબી જોતી જોતી એ ચાલી.

પાછળના ચંદ્રના તેજથી કુમુદસુંદરીની છાયા સમુદ્ર ઉપર આગળ પથરાઈ હતી. આગળ છાયા અને પાછળ બાળા એમ બે જણ વધવા લાગ્યાં તેમ તેમ શરીર પાણીમાં સંતાતું હતું, બ્હારથી ઘટતું હતું, અને છાયા ચળકતાં મોજાંમાં ન્હાની મ્હોટી થતી કુદતી હતી.

કેડ સુધી કુમુદસુંદરી ડુબી. તેની કોમળ છાતીને પાણીની છાલકો વાગવા લાગી, અને વાગવા લાગી તેની સાથે જ તેના કાનમાં નવીન