પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬

સ્વર આવવા લાગ્યો. અનાહત નાદ તો તે ન હતો, કારણ આ સ્વર બ્હારથી આવતો હતો. મનુષ્યનો સ્વર તે ન હતો, કારણ કોઈ મનુષ્યનો સ્વર સાગરના ધુઘવાટ આગળ સંભળાય એમ ન હતું. પળમાં એ સ્વર આકાશમાંથી ચંદ્રની ચાંદની પેઠે સરી પડતો હતો; પળમાં તારાઓમાંથી ખરતો હતા; પળમાં છેટેના અંધકારમાંથી આવતો હતો; પળમાં પવનની લ્હેર ઉપર નાચતો હતો; પળમાં પાછળથી આવતો હતો; પળમાં સમુદ્રનાં આઘેનાં ઉંડાં અગાધ પાણીની અંદરથી રસાતળને ફોડીને બહાર આવતો હતો; અને પળમાં સમુદ્રની ગંભીર ઉંડી ગર્જનાને ભેદીને આઘે ઉંડાણમાં કોઈ ગાનારનું ગાન સંભળાતું હોય એમ એ સ્વર આવવા લાગ્યો. એ સ્વરનું એ ગાન, એ સ્વરરૂપ એ ગાન, પળમાં કુમુદના કાનમાં પેસવા લાગ્યું; પળમાં પાણી નીચે થઈને, એનાં પગમાં થઈને, એના શરીરમાં ચમકવા લાગ્યું; પળમાં એના શોકમ્લાન પયોધરમાં ઉભરાવા લાગ્યું; પળમાં એના હૃદયમાં ધબકારા કરવા લાગ્યું; પળમાં કણ્ઠમાં ચ્હડ–ઉતર કરવા લાગ્યું; પળમાં એના ઓઠને અને નાસિકાને સ્ફુરાવવા લાગ્યું; એની અાંખની કીકીયો, કપાળ, અને મસ્તક ત્રણે સ્થાને વીંઝાવા લાગ્યું. એ ગાનને વશ થઈ એ ગાન સાંભળવાની ધુનમાં ને ધુનમાં, એ આગળ ચાલી, અને સતારના સર્વે તારમાં રણકારા થઈ ર્‌હે તેમ અંતર્બાહ્ય સર્વ સંસારમાં આ ગાનના ચમકારા થવા લાગ્યા.

“ ધીમી ધીમી ચાલી તું તો કરવા ત્હારું કામ !
“ માજીની ઈચ્છા એવી છે કે પાછી હવે તું આવ ! ધીમીo.
“ દીકરી, ત્હારા દીલને દીધો દાનવે દુષ્ટ જ ડ્હા‍મ,
“ શીતળ શાંતિ લેવા માજીની પાસ હવે તું આવ ! ધીમીo
“ શીતળ પાણી સાયરનું છે આગળ ઉંડું અગાધ,
“ પણ તુજ મનનો તાપ શમાવે એ તો ઈશ્વરી માત ! ધીમીo
“ શરીર સુવાડવા સાયર નીચે થઈ છે તું આજ તયાર,
“ પરલોકવાસી તારા હસે છે સાંભળી તુજ વિચાર ધીમીo
“ ચમકે તારા સાંભળી ત્હારા રાંક મધુરા બોલ,
“ રાત રુવે તને રોતી જોતી; મનના પડદા ખોલ ! ધીમીo
“ ચંદ્ર ઉભો છે એકલો ઉંચે દેવા કુમુદને કરાર;
“બેટા, બ્હીને છે શાને તું ? ત્હારે માજીનો સથવાર ધીમીo
“ સાગરમાંથી પાછી નીકળ, માજીની પાસે આવ;