પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮

“મધુરી મધુરી ! ત્હારો આટલો જ વિશ્વાસ ? બેટા, જો તું પાછી ન ફરે તો તને માજીની આણ છે.”

બીજી બે ચાર સ્ત્રીયો એની આશપાસ ફરી વળી. કુમુદ પાછી ફરી, અને ચંદ્રાવલીને બાઝી પડી, એની છાતીમાં મ્હોં માથું સંતાડી દેઈ, મોકળું મુકી મ્હોટે સ્વરે રોઈ પડી ને રોતી રોતી બોલી: “ હું શું કરું ને ક્યાં જઉં રે, મ્હારી મા? ચંદ્રાવલી બ્હેન, તમે મ્હારી માતાના કરતાં વધારે હેત રાખો છો પણ મને કાંઈ સુઝતું નથી – ને મ્હારાથી નથી ર્‌હેવાતું રે મ્હારી મા?” કુમુદે ફરી ઠુઠવો મુક્યો, અને ચંદ્રમંડળ ભણી એ સ્વર ચ્હડયો.

એનું આશ્વાસન કરતાં સઉ એને લેઈ માતાના ઓટલા ઉપર ચ્હડયાં, એનાં ભીનાં વસ્ત્ર બદલાવ્યાં, અને માતાની સેવા પડતી મુકી દીકરીને શાંતિ આપવા ઉપચાર કરવા લાગ્યાં. કુમુદસુંદરી કોઈને મ્હોં દેખાડતાં શરમાઈ અને માત્ર ચંદ્રાવલીની સોડમાં ભરાઈ, એના ખોળામાં મ્હોં સંતાડી, પાસે બેસી રહી. એના હૃદયના ધબકારાથી અને અટકવાની અશકિતને લીધે ઘડી ઘડી ઉથલો મારતાં ડુસકાંથી, એ જીવતી છે અને જાગતી છે એમ સિદ્ધ થતું હતું. એ જગાએ સઉ આસપાસ ફરી વળી બેઠાં અને એના મનને કળ વળે અને બીજી વાતોમાં એનું ધ્યાન જાય એમ ધીરે ધીરે સઉ કંઈ કંઈ વાતો ક્‌હાડવા લાગ્યાં. સ્ત્રીયોની સંખ્યા પણ આઠદશની થઈ ગઈ ચંદ્ર પણ મધ્યાકાશમાં આવી ગયો.

સર્વની વાતો ચાલી છતાં કુમુદનું મન તેમાં ગયું નહી. અંતે એક બાવી બોલી.

“ચંદ્રાવલી મૈયા, આપણા ગુરુજીને વ્હાં તો નવીન અતિથિ આવ્યા છે, અને ગુરુજીનો તેમના ઉપર બડો પક્ષપાત છે.”

કુમુદ કંઈક સાંભળવા લાગી.

"ભક્તિ મૈયા, તે કોણ છે અને જુના શિષ્યો મુકી તેમના ઉપર કહાંસે પક્ષપાત થઈ ગયો ?” ચંદ્રાવલીએ પુછયું, ઉત્તર સાંભળવામાં કુમુદનું હૃદય ભળ્યું.

ભક્તિo –“ એ અતિથિનું નામ નવીનચંદ્રજી છે.”

કુમુદસુંદરીના શરીરમાં વીજળીનો ચમકારો થયો. તે સફાળી બેઠી થઈ અને છાતીએ હાથ મુકી સાંભળવા લાગી. ભક્તિમૈયા વધી.

“ગુરૂજીને એ પુરુષનો ત્રિભેટાના અરણ્યમાંથી લાભ થયો અને એ