પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦

નિરાકારનો ભક્તિયોગ હાથ લાગ્યો ગણવો. મધુરી, માછના યોગનું આ સુન્દર રહસ્ય તને દર્શાવ્યું. એ યોગની સાધનાથી તું સંસારસાગરને તરી જવાની. ત્હારા હૃદયનો પુરુષ આ યોગથી તું પ્રત્યક્ષ દેખીશ અને માજીના ભક્તિયોગથી સર્વ યોગને પામીશ. માજીની દીકરીયોને આ યોગમાં, નથી પદ્માસનનું કામ, અને નથી દેશકાળનું કામ. પરણેલા પુરુષોને ત્યજી ગોપિકાઓ શ્રીકૃષ્ણ પાછળ દોડી હતી તે જ રહસ્ય સમજીને ત્હારી ઈન્દ્રિયોએ પરણેલા “બોટેલા” પદાર્થો જ્યાં હોય ત્યાં ર્‌હેવા દે, અને તેમને ત્યજી તેમની પ્રતિષ્ઠા માજીમાં કરી માજી પાછળ ત્હારી ઇન્દ્રિયોને દોડાવ, અને એ યોગથી ભક્તિસાધના કર- જો. મીરાંજી કેવી ભક્તિ કરતાં હતાં ?"

“વાટ જુવે મીરાં રાંકડી, ઉભી ઉભી વાટ જુવે મીરાં રાંકડી !”

“અથવા શ્રીકૃષ્ણની વાંસળીનો અવતાર પોતાના હૃદયમાં થતાં ગોપિકાઓ ઉભી હોય તો ઉભી ઉભી અને બેઠી હોય તે બેઠી બેઠી, રાત્રે કે દિવસે, ઘરમાં કે વૃન્દાવનમાં, સાસરે કે પીયર, સર્વાવસ્થામાં શ્રીકૃષ્ણનો યોગ પામતી હતી, શ્રીકૃષ્ણ અને લક્ષ્મીજી જુદાં નથી. શિવજી અને પાર્વતી જુદાં નથી. એ ગાપિકાઓ શ્રીકૃષ્ણનો યોગ પામતી હતી તેમ માજીમાં તું ત્હારા માતાપિતાનો, પ્રિય પુરષનો, શ્રીકૃષ્ણનો, અને સર્વ કોઈ સુન્દર વસ્તુનો યોગ પામી જા. ત્હારે હવે કુવો હવાડો કરવાનો કે નદી દરીયામાં પડવાનું ગયું. હવે ત્હારો કુવો, ત્હારો હવાડો, ત્હારી નદી, ત્હારો દરીયો, ત્હારે જીવવું હોય તો ત્હારું આયુષ્ય અને મરવું હોય તો ત્હારું મરણ – સર્વ વસ્તુ- હવે તું માજીમાં સમાઈ ગઈ ગણી લે અને તેની માજીમાં પ્રતિષ્ઠા કરી લે. તું જ્યાં જાય,જે કામ કરતી હોય,જે વિચાર કરતી હોય, જે વસ્તુ શોધતી હોય, તે સર્વ સ્થાન, તે સર્વની પ્રતિષ્ઠા માજીમાં કરી લે, અને અસાર સંસારને તરીજા.”

આ યોગવાર્તા કરતાં કરતાં ચંદ્રાવલીને માતાનું સત ચ્હડ્યુ હોય, ને માતાનું એનામાંજ આવાહન થયું હોય, તેમ એના મુખ ઉપર તેજ આવી ગયું, એની વાતોમાં તીવ્રતા આવી, અને એના અક્ષરમાં સત્વ આવ્યું. એના અક્ષર નીકળી રહ્યા ત્યાં સુધીમાં સર્વ એનામાં લીન હતાં અને સર્વને એટલો યોગ થયો. અંતે કુમુદ નરમ પડી બોલી.

“ચંદ્રાવલીબ્હેન, તમે સત્ય કહો છો. સમુદ્રમાંથી હું પાછી આવી તે માજીની બેાલાવી જ આવી છું. હું અન્ય સ્થાને મરણ શોધવાનું ત્યજી માજીના ચરણમાંજ શેાધીશ. ”