પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭


કુમુદને સ્વપ્નોદય થયો. પોતે માજીના ઓટલા ઉપર બેઠી છે, સમુદ્રમાં છેટે તોફાન જાગ્યું છે, ત્યાં મેાજાં બબ્બે માથાં ઉછળી રહ્યાં છે, પવનના ઝપાટા આવે છે, ને સમુદ્રની ગર્જના સામી એ પવન ગર્જના કરે છે, આકાશ પણ ક્રૂર અને ભયંકર દેખાય છે, અને તે સર્વની વચ્ચે એક ન્હાનો “બેડો”- દ્રવ્ય ભરેલો બતેલો - જરી જરી દેખાય છે, મોજું ઉંચું ચ્હડતાં બેડો ઘડીમાં તેની ટોચ ઉપર દેખાય છે અને ઘડીમાં તેની પાછળ અદૃશ્ય થયો લાગે છે, મોજું નીચે પડી જાય છે - પાણીમાં ખાડે પડે છે, ત્યાં બેડો ઉપરથી નીચે એકદમ પડી જાય છે અને –“ ઓ ડુબ્યો ” “ઓ ભાગ્યો-” થાય છે, પવનના જોરથી તેના સડ ફાટી જાય છે અને સડનો દંડ ભાગી જાય છે, અને સર્વને સ્વપ્નમાં સમુદ્રતીર ઉપર એકલી બેઠેલી આતુર સુન્દરી જુવે છે, બેડામાં તેને જીવ છે - તેના પ્રાણ છે – તેનું સર્વસ્વ છે, બેડો ઉગરે અને કીનારે આવે તો એ સુન્દરીના જીવમાં જીવ આવે અને બેડો ડુબે તે સુન્દરીનો જીવ જાય એમ છે ! એક પાસ સમુદ્રમાં બેડો ઉછળે છે ત્યારે બીજી પાસ આમ સુન્દરીના દેહમાં તેનું હૃદય ઉછળે છે – આ બે ત્રાજવાંની દાંડી ઝાલી આકાશમાંનો દૃષ્ટિદાતા ચન્દ્ર વિધાતા પેઠે ઉભો છે ! દીન હૃદયની રંક કુમુદને આ મહાસ્વપ્નોદય અત્યારે થતો હતો, અને સ્વપ્નમાં તે લવતી હતી – ગાતી હતી - તે પાસે સુતેલી સ્ત્રીયો, જાગી ઉઠી, જિજ્ઞાસાથી, આતુરતાથી, સ્નેહથી, અને શોકથી, સાંભળતી હતી.

“બેડો, બાઈ, બુડતો ત્હારો રે ! અંબે ! આઈ ! પાર ઉતારો રે!
“ભર દરીયામાં તોફાન લાગ્યું, પવન ઝપાટે વાય,
“બેઠી કીનારે હું જોતી એકલડી, બેડો ન ક્યાંય જણાય ! બેડો૦
“સામે પારથી નીકળ્યો એ છે, ભરીને રત્નભંડાર;
“કંઈક વેપારી વાટ જુવે છે, ક્યારે આવે એ આ પાર ? બેડો૦
“સડ મ્હેં જોયા હવણાંજ; જાણ્યું, આવે આ ઘડીમાંહ્ય;
“ જોતા જોતામાં, આશ ધરાવી, પાછો ગયો કેઈ પાસ ! બેડો
“કંઈ કંઈ જનનો માલ છે એમાં, કાળજાં કંઈક કપાય !
“માજી ! તમારા બેડીયા*[૧] એમાં હારી હારી અકળાય ! બેડો૦
“માજી ! તમારી બાધા રાખું, ભરીશ હું કુંકુમથાળ,
“બેડલીઓ હેમ ક્ષેમ આવે તો ! નીકર થશે મુજ કાળ. બેડો૦”

  1. * ખલાસીઓ