પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨

“તમારો કાગળ પ્હોચ્યો છે. નણંદે ફોડી વાંચી આપ્યો છે. તમે એ કાગળ જુદો લખી ઉપર ટીકટ ચ્હોડવાનું ખરચ કર્યું તે કોઈને ગમ્યું નથી તેથી મ્હેં આ કાગળ સંસારીલાલને બીડવા આપ્યો છે. હવેથી તો એમ પણ કાગળ નહીં લખાય. કારણ સંસારીલાલને કાગળ આપવા જઉં એટલે ઘરમાંની સઉ સતીઓ મ્હારી વાતો કરે છે, તે તો જાણે કે ન ગાંઠું, પણ બીચારા સંસારીલાલ મ્હારે માટે નકામા વગોવાય એ અણજુગતું. તમારા ઘરમાં જે વાત અણજુગતી નહી થાય તે નવાઈ. હું મ્હારી પોતાની વાતમાં તો ઘુટડા ગળી જાઉંછું પણ આટલું આટલું તમે કરોછે તેનો પાડ ન માને તો ધુળ નાંખી; પણ ઉલટાં ખાય ને ખોદે તે આપણાથી ખમાતું નથી. તમારી વાતમાં કોઈ બોલે ત્યારે તો હું સઉને શેર શેરની ચ્હડાવું છું ને માથાની થાઉં છું. બાકી ઘરનું કામ ઉસેડીને કરું છું ને મને કાપડું આપતાં સઉના જીવ કચવાય છે તે જુદું.”

"બધાને બધું જોઈએ ને તમારે કે કીકી સરખીને પાઈ જોઈએ નહી એવો ધંધો છે. પણ વળી લખશો કે પરદેશ ગયો ત્હોયે કુથલી કરે છે ને જંપવા દેતી નથી. માટે આટલાથી બધું સમજજો.”

“કીકી નીશાળે જાય છે તે સઉ બડબડે છે કે ઘરમાં ર્‌હેતી હોય તો કામ તો કરવા લાગે ને છોકરીયોને ભણીને શું કરવું છે. જમવાને વખત સઉને થયો હોય ત્હોયે કીકીને નીશાળને માટે મોડું થાય તેની ફીકર કોઈને નહી. બે દિવસ એણે ફી માગી ત્હોયે કોઈને તે આપવા વખત ન મળ્યો. કાલ તો નંબર ગયો ને રોઈને ફી માગી ત્યારે એને ઉલટી ધમકાવી અને મ્હારો મીજાજ હાથમાં રહ્યો નહી એટલે જુદ્ધ મચાવ્યું ત્યારે ફી મળી. હું રોઈ નથી માટે ફીકર કરશો નહી. ”

“કીકીનો વિવાહ કરવાનો વિચાર ચાલે છે પણ ઠેકાણું તમને અણગમતું છે તેથી સઉ અટક્યું છે. બને તો તમને પુછયા વગર પરભાર્યું કરી દેવા સુધી ઉમંગ રાખ્યો હતો. પણુ હું કાગડી જેવી ચેતી ગઈ એટલે બીજું જુદ્ધ મચવ્યું ને તરત તે વાત તેાડી નાંખી છે. ભાણાને કન્યા નથી તેથી સાટું થાય એવો તાલ હતો તેમાં તરત તો મ્હેં ધુળ નાંખી છે.”

“આટલી નવાજુનીથી તમારું પેટ ભરાશે, પછી પરદેશમાં અજીર્ણ થાય એટલું લખું તો મ્હારે જ વેઠવું પડે, કારણ તમારા વગર બીજું કોઈ મ્હારી દયા જાણે એમ નથી. કોણ જાણે કેઈ રાંડ આ સંસાર ઘડવા જેટલી નવરી પડી હશે.”