પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧


“તમારી ઈચ્છાને અનુસરી તમારા કુટુમ્બકાર્યની ચિન્તા હું રાખું છું. વિચિત્રચિન્તાકર આ સંસારમાં કોઈ નિશ્ચિન્ત નથી, માટે ચિન્તા રાખવા બેસીશું તે તમારાથી કે મ્હારાથી નિશ્ચિન્ત ર્‌હેવાય એમ નથી એવો તમારો સર્વદા સર્વને ઉપદેશ છે તે યોગ્ય છે. માટે તમારી ગૃહસ્થિતિ વીશે વિશેષ તમને લખવું તે પુનરુક્તિ કરવા જેવું છે, પણ મને સોંપેલા ક્ષેત્રનું અવલોકન કરી તમને વૃત્તાન્ત લખવા તે મ્હારો ધર્મ છે માટે લખું છું.”

“તમારા બન્ધુએ તેમ ગંગાભાભીએ તમને પત્રો લખેલાં છે તે ઉપરથી મ્હારે જણવવાનું તમે જાણી લીધું હશે. મ્હારે હવે એટલુંજ જણવવાનું બાકી છે કે તમારાં સર્વ કુટુમ્બીઓ કેવલસ્વાર્થી છે, અને તેમને તમારા પ્રતિ ન્યાયવૃત્તિ નથી તો દયા તો ક્યાંથી હોય ? હું એક કાળે જાણતો હતો કે આ દશા મ્હારા એકલાની જ હશે, અનુભવ વધતાં ઘેર ઘેર એ જ દશા દીઠી, એ દુષ્ટ નીરસ સંસારનો ગન્ધ માત્ર આવતાં ચતુર સરસ્વતીચંદ્રે તેનો સહસા ત્યાગ કર્યો, અને એ સંસારના સર્પોથી હાથે પગે અને કોટે વીંટાયલા રહી શિવજી પેઠે સંસારને શ્મશાન ગણી તેમાં આત્મવિભૂતિથી નિજાનંદમાં ર્‌હેનાર તો તમને જ દીઠા ! શુદ્ધ નિઃસ્વાર્થ પ્રીતિરસ સંસારમાં તો કોઈ પણ સ્થાને નથી એવી મ્હેં વ્યાપ્તિ બાંધી છે, અને સંસાર એવો નીરસ છે. માટે જ સંસારમાં ન જડતો રસ કાવ્યાદિમાં તરત દેખી મનુષ્યો કવિજનો ઉપર પ્રીતિ રાખે છે ! જો સંસારમાં જ રસ શુદ્ધ સ્વરૂપે હોય તો કવિઓનો ભાવ કોણ પુછે? – રસના આત્માને મુકી માત્ર અક્ષરમય રસનો આદર કરવા કોને અવકાશ મળે ?”

"પ્રિય ચંદ્રકાન્ત ! આ વ્યાપ્તિમાં ગંગાભાભી પણ અપવાદરૂપ નથી. તમે કુટુમ્બમાં સર્વે પ્રતિ ઉદારતા રાખી છે તેનું મહાફલ એ થયું છે કે તમારે હાથ ક્યારે પ્હોચી વળતો બંધ થશે તેની કોઈને ખબર નથી અને તમારો હાથ સર્વદા પ્હોચશે તો તમારો દેહ ક્યાં સુધી કામ કરશે તેની કોઈને ખબર નથી અને તેવે કાળે જે વસ્તુ જેના હાથમાં હશે તેની પાસે તે ર્‌હેશે અને જેની પાસે કોઈ વસ્તુ- સંગ્રહ નહી હોય તે સંગ્રહશુન્ય થઈ દુ:ખી થશે અને તેની કોઈ સંભાળ નહી રાખે – આમ સર્વના મનમાં છે અને સર્વ સ્વાર્થ- સંગ્રહ કરવા મથે છે. સ્ત્રી ઉપર પુરુષને પક્ષપાત સ્વાભાવિક રીતે હોય છે, તે તમારે નથી, અને જેના ઉપર તમારો પક્ષપાત નથી