પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩

માટે જાતે જ રસરૂપ થવામાં હું શ્રેષ્ટતા માનું છું, વ્યવહારમાં મ્હોટા મ્હોટા વેદાન્તીઓ અને સંન્યાસીઓ રાગદ્વેષનો ત્યાગ કરી શકતા નથી અને આનંદરૂપ ન થઈ શકતાં आनन्दना ગપાટા હાંકે છે. હું પણ નીરસ સંસારનો ત્યાગ કરી શકતો નથી અને રસરૂપ ન થઈ શકતાં रसना રાગડા તાણું છું, ચંદ્રકાંતભાઈ, તમારા આશ્વાસન માટે હું આ મ્હારો અનુભવ લખું છું, પણ સરસ્વતીચંદ્ર જડે તો તેમને એ ક્‌હેશો નહી. તેમણે આજ સુધી પ્રોસ્પેરોની મિરાણ્ડા જેવું અને બુદ્ધના પ્રથમ વય જેવું જીવન જ અનુભવેલું છે એ શુદ્ધ સરલ રસના પાત્રમાં આપણા સંસારની શાહી પડવા દેશો નહી.”

“જો એ તમને મુંબાઈની દશા પુછે તો ક્‌હેજો કે આપણું મુંબાઈ તો આપણા મંડળમાં જ સમાયલું છે; અને એવા મુંબાઈની દશાનો તરંગ તમારી પાસે ઉછળે છે તેને એમની પાસે તમે ઉછાળજો.”

“ગોપિકા ઘણું ઘણું રુવે છે કુંજકુંજમાં,
“રોતી મુકી સર્વને તું કૃષ્ણચંદ્ર ક્યાં ગયો ?
“પદ્મમાળ પાણીમાં ઉંચાં વિકાસી મુખને
“જોઈ ર્‌હેતાં વ્યોમમાં, રસિક ભ્રમર ક્યાં ગયો ?
“રસરસિક કંઈ કવિ ને કંઈક શુદ્ધ સાક્ષરો
“મળી વીંટાઈ પુછતા, ઉદાત્ત ચંદ્ર કયાં ગયો ?
“સઉ સખીથી એકલી અગ્ર વાધી રાધિકા
“વ્રજ ભુલામણીમાં ભુલી રટતી “ધૂર્ત ક્યાં ગયો ?”
"દેશવીરો, કવિજનો, સાક્ષરો, સુભાષકો –
“એ સઉથી છુટી તું જતો, કાંત, ચંદ્ર જ્યાં ગયો !
“શેાધજે, તું શોધજે, કાંત પવન, ચંદ્રને !
“કુમુદમાળ ઉંચું જુવે, ઘનથી ચંદ્ર શું છુટ્યો ?
“વેરજે, તું વેરજે, પવન, શ્યામ મેઘને !
“ચકોર પાંખ ઉંચી કરે, ઘનથી ચંદ્ર શું છુટ્યો ?
“વેરજે, તું વેરજે, પવન, પેલા મેઘને !
“ચકોર આંખ ઉંચી કરે ચંદ્રમા શું કંઈ દીઠો?
“વેરજે તું વેરજે, કાંત પવન, મેઘને !
“તરંગ ઉછળી ર્‌હે ઉરે, ચંદ્ર ચળકી ક્યાં રહ્યો ?