પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭

જ ખોટી વાત છે, આત્માને લઈને સર્વ પ્રિય છે એવું શ્રુતિવચન છે તે સાક્ષરોને ઉદ્દેશે છે તો આપણાં નિરક્ષર પામર કુટુમ્બીઓને ઉદ્દેશે એમાં શી નવાઈ? તેમના સ્વાર્થની શુક્તિઓમાં પ્રીતિનાં સ્વયંપ્રકાશ મુકતાફળ ઢંકાયલાં હોય છે તે શોધી, સ્વચ્છ કરી, ભોગવવાં એ ઉદાત્ત રસિક જનોનો રસમાર્ગ છે.”

“સંસારમાં સર્વ જનોનાં ચિત્ત ન્હાની ન્હાની સૃષ્ટિમાં અનેક તૃષ્ણાઓ અને અનેક લિપ્સાઓ રાખે છે. આપણાં ચિત્તમાં સરસ્વતી અથવા રસનો ઉદય થતાં એ સર્વ નાશ પામે છે અને તેને સ્થાને બીજી વિભૂતિ રચાય છે. દ્રવ્યવાનો એ દ્રવ્યનું અભિમાન ન ધરતાં દ્રવ્યહીન બન્ધુઓ ઉપર દયા આણવાની છે, તેમ સરસ્વતી આદિની વિભૂતિ ધરનારે નિરક્ષર જનોની ક્ષુદ્ર અને મલિન વાસનાઓ ઉપર દયાજ આણવાની છે. ધર્મશોધકો કહી ગયા છે કે दया धर्मको मूल है તેમ તેમની જોડે આપ જેવા કવિયો પણ ઉદ્ધાર કરશો કે દયા પ્રીતિનું મૂળ છે. આવા આર્દ રસને ધરનાર મહાત્માએ જ ક્‌હે છે કે

“उपकारिषु यः साधुः साधुत्वे तस्य को गुणः ।
“अपकारिषु यः साधुः स साधुः सद्भिरुच्यते ।।

“જેમ જેમ કુટુમ્બવર્ગ અથવા સ્ત્રીજનની પ્રીતિ વધારે સ્વાર્થ ભરેલી દેખું છું, તેમ તેમ મ્હારા હૃદયની પ્રીતિમાં વધારે ઉલ્લાસ આણવા પ્રયત્ન કરું છું. ઈશ્વરે તેમને કોઈક યોગથી મ્હારા સંબંધમાં સૃજી મુક્યાં, તેમ કરવાનો તેનો હેતુ તો અગમ્ય છે, પણ સહૃદય જનોની દૃષ્ટિ એવી જોઈએ કે એ દૃષ્ટિ જ્યાં પડે ત્યાં આત્મવત્ જુવે, અને નિકટ રહેલાં ઉપર પ્રથમ પડવું એ મ્હારી દૃષ્ટિનો ધર્મ છે તો મ્હારી હૃદયવૃત્તિને હું એવો રસધર્મ શીખવું છું કે દૃષ્ટિદ્વારા એ વૃત્તિ જ્યાં જુવે ત્યાં આત્મવત્ જુવે અને એ નિકટદૃષ્ટસંબંધી જનને પણ આત્મતુલ્ય કરવા પ્રયત્ન કરે. આમ જ જ્યાં જ્યાં દૃષ્ટિ પડે ત્યાં ત્યાં રસધર્મ પ્રવર્તાવું છું અને यत्र यत्र मनो याति तत्र तत्र समाधय: એ વાક્યના અનુભવના અભ્યાસનો આરંભ કુટુંબમાંજ કરું છું. Charity begins at home.”

સરસ્વતીચંદ્રે પત્ર બગલમાં મુકયો અને ઉંચું જોઈ વિચારગ્રસ્ત થયો.

“કુમુદસુંદરી ! આપણી પ્રીતિ શુદ્ધ હતી. દયામૂલક પ્રીતિ તે વત્સલતા, સમરસમૂલક પ્રીતિ તે મૈત્રી અને દામ્પત્ય પણ મૈત્રીનો જ