પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરસ્વતીચંદ્ર
--=<<¤>>==--
ભાગ ૪.
સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ.
--♦--
પ્રકરણ ૧.
સુભદ્રાના મુખ આગળ.


તાજાં ધાસ ઉગી આ રહે ને
ગાય ગર્ભિણી આવી ચરે તે;
એવાં તીર–વનોમાં ફરવા
ગામલોક જતા મદ ધરવા. ભવભૂતિ.

સુભદ્રા અને સમુદ્રના સંગમ આગળનો પ્રદેશ બારે માસ આવો રમણીય ર્‌હેતો. એ સુન્દર સંગમ આગળ વચ્ચોવચ આઠ માસ એક ન્‍હાનો સરખો રેતીનો બેટ બની રહેતો અને તેની બે પાસ સાગર અને સરિતાનો સંગમ નિરંતર થયાં કરતો, ને ત્યાં આગળ એ સંગમથી રુપાની ઘંટડીઓ જેવો – કુમુદસુંદરીના સ્વર જેવો – ઝીણો સ્વર મચી ર્‌હેતો હતો. સમુદ્રની ભરતી આવે ત્યારે વચલા બેટમાં ઢીંચણ સુધી પાણી ભરાતું, અને ચાતુર્માસમાં નદીના પૂરને પ્રસંગે ત્યાં ત્રણત્રણ માથાં પાણી ભરાતું, આ બેટને બધી વસ્તી “બેટ” નામથી જ ઓળખતી.

નદીની ઉત્તર પાસે એટલે સુન્દરગિરિની પાસે એને તીરે મ્‍હોટું મેદાન હતું, અને દક્ષિણ પાસે રેતીની પર્વત જેવી ઉંચી ભેખડો હતી અને તેના ઉપરનાં ઝાડોના માત્ર શિખરભાગ દેખાતા. દક્ષિણ પાસેનું મેદાન ઘણું વિશાળ હતું અને તેના મ્‍હોટા ઢોળાવ ઉપર નદીની પાસે પ્રથમ માત્ર રેતીવાળો પ્રદેશ, તેથી ઉપર જતાં બારેમાસ લીલા રહેતા ઘાસ-