પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪પ

આવેલો તે સ્વપ્નવત્ થઈ ગયો ! એવી રસિક સાક્ષર લલના સાથે એ પુરુષનો યોગ થયો હત તો આપણા લોક ઉપર કેવાં કેવાં અમૃતની વૃષ્ટિ થાત ! પણ આ તમારો કુટુમ્બક્‌લેશી ગૃહસંસાર – જેને તમે મિથ્યાભિમાનથી આર્યસંસારનું નામ આપો છો તેનું સત્તાનાશ જજો ! તમારી એ જ દુષ્ટ અવ્યવસ્થા અને મૂર્ખતાના ભણ્ડાર જેવી ગૃહવ્યવસ્થાએ આપણા હાથમાં આવેલું રત્ન સમુદ્રમાં નાંખી દીધું છે અને હવે ચંદ્રકાંતભાઈ તેને શોધવા ડુબકાં માર્યા કરેછે ! સરસ્વતીચંદ્ર હાથમાં આવશે તે ઓછો લાભ નથી, પણ તેને હવે કુમુદસુંદરીનો યોગ અશક્ય છે અને સ્ત્રીજાતિની ઉન્નતિનું એક નાવ ભાગી ડુબી ગયું છે. I hope at least now you will admit that our joint family system is the worst plague that destroys our countrymen all throughout the land and eats up all that is fair and fruitful in the world of our hopes.”

“સંસારસુધારાનો વિષય લ્યો ! શું તમારે બાળલગ્ન અટકાવવાં છે ? જ્યાં સુધી જુની બુદ્ધિનાં અને નિરક્ષર મનુષ્ય તમારા ઘરમાં વસેછે અને તમારા બાળકોના ઉપરનો તમારો અધિકાર ભગ્ન કરી નાંખે છે, ત્યાં સુધી આમાનું કાંઈ બનવાનું નથી. શું તમારે વિધવાઓને સધવા કરવી છે? જ્યાં સુધી તમે આવાં આવાં મનુષ્યોને તમારી કમાઈના રોટલા ખવરાવી તેમના બળની વૃદ્ધિ કરો છો ત્યાં સુધી આમાંનું કાંઈ થનાર નથી અને તમારું પોતાનું બળ બીચારી વિધવાના બળ કરતાં વધનાર નથી. શું તમારે તમારી પુત્રીઓને સાક્ષર કરવી છે? શું તમારે તમારી સ્ત્રીને રસોડાના ધુમાડામાંથી અને વાસણ સાજવાની રાખમાંથી ઉગારી, સરસ્વતીની સુંદર સૃષ્ટિમાં લેવી છે અથવા જીવનનાં જે સાધારણ સુઘડ સુખ અને સુવાસ તમે એકલપેટા થઈ ભોગવો છો તેમાંના કંઈક ભાગનો ભાગ તમારી પ્રિય પત્નીને, તમારી પુત્રીઓને અને તમારા પુત્રની સ્ત્રીઓને દેખાડવા છે ? અથવા શું તમારે તમારી પોતાની કમાઈ અને શકિત તથા સ્વતંત્રતાને તમારા ઈષ્ટ સન્માર્ગે વાપરવી છે અને તેમ કરી તમારી ઈંગ્રેજી વિદ્યાને સાર્થક કરવી છે? હું તમને કહું છું કે જ્યાં સુધી તમે કુટુંબના ભેગા વસી તેમની મૂર્ખ ઈચ્છાઓ પ્રમાણે અને દુષ્ટ વાસનાઓથી તમારાં સમર્થ હાથપગને બેડીમાં નંખાવા દેશો ત્યાં સુધી આ સર્વ સત્કાર્યોમાંથી એક પણ કાર્ય તમે કરી શકવાના નથી !”