પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭

બાયલો અને પાપી ગણે છે. સ્વાભાવિક સ્વકુટુંબભાર અને લોકાપવાદના ધક્‌કા આમ એક જ પાસ વાગે છે અને તેને ન ગણનાર પુરુષો જવલે જ નીકળે છે. આવા પુરુષોને ઘેર વહુરો સાસુ ઉપર જુલમ કરે છે ક્‌હેશો તો હું તેની ના નથી ક્‌હેતો. તમારાથી એક પગલું વધારે ભરી હું તો એવું પણ કહું છું કે જે ઘરમાં એક વાર છોકરાઓ માવડીયા હોય છે તે જ છોકરાઓ આઘાતપ્રત્યાઘાતના નિયમથી અથવા પોતાની સ્ત્રી અને સંતતિ ભણીના સ્વાર્થમાં વધારે સુખશાંતિના આસ્વાદનના આવિર્ભાવથી ઉત્તરાવસ્થામાં સ્ત્રીવેશ થાય છે, અને જે વહુરોની જુવાની દુષ્ટ સાસુઓ પોતાની જુવાનીને કાળે બગાડે છે તે વહુરો સત્તાવાળી થતાં સાસુઓનું ઘડપણ નીચોવી નીચેાવીને બગાડે છે ! લોક ભલે આમાં જુલમ અને પાપ લેખો, પણ હું તો આ ચિત્રમાં અન્યાયનો બદલો અન્યાય – ઈશ્વરને જ નિર્મલો – જોઉ છું ! આ સંઘટ્ટન નનાન્દા શબ્દના જન્મકાળથી ચાલતું આવેલું છે ! શું આપણે એ અવ્યવસ્થા ચાલુ રાખવાને બંધાયલા છીયે? કોઈ પણ રીતે હું આ બન્ધન જોતો નથી. પુરુષ, સ્ત્રી, અને અવિવાહિત બાળકો – એટલાં મળીને એક કુટુંબ ગણવું એ પ્રકૃત છે. એવાં અનેક કુટુમ્બોના શમ્ભુમેળાને એક ગણી એ મૂર્ખાઈ અને દુષ્ટતાના ખીચડાને એક ઘરમાં ભરી ખદબદવા દેવો અને એ સમાજને એક કુટુમ્બનું' નામ આપી તેના ઉપર કુટુમ્બવત્સલ થવાનો ફાંકો રાખવો એ ચંદ્રકાંતને ગમતું હશે, પણ મને તો તેમાં પ્રકૃત શુદ્ધાચાર નહી પણ કેવળ વિકૃતિવાળો ભ્રષ્ટાચાર જ લાગે છે, અને પરાપૂર્વથી ચાલતો આવેલો છે માટે એ ભ્રષ્ટાચાર જાળવવો એવું તો તમે પણ નહી ક્‌હો.”

“આ શમ્ભુમેળાનાં કુટુમ્બને એકઠાં રાખવાનો આચાર આપણા પૂર્વજોની જંગલી અવસ્થાનું ચિન્હ છે તે આપણે સાચવી રાખેલું છે. પ્રાચીન કાયદાએાનો તત્ત્વ શોધક સર હેનરી મેન્ તમે વાંચ્યો છે. તેણે બહુ શોધન કરી દર્શાવ્યું છે કે જુના કાળમાં લોકસ્થિતિ સામાજિક- tribal - હતી અને સર્વ પાશ્ચાત્ય દેશોમાં સુધારો થતાં એ સ્થિતિ સામાજિક મટી દૈશિક – territorial – થઈ છે. પ્રજાઓ પૂર્વે સામાજિક સાંકળોથી સંધાતી હતી; સુધારાના યુગમાં દૈશિક સાંકળોથી સંધાય છે. પૂર્વે અમુક લોકના દેશ ક્‌હેવાતા; હાલ અમુક દેશના લોક, ક્‌હેવાય છે. પૂર્વે આર્યો, દેવો, મ્લેચ્છો, યવનો, રાક્ષસો, સેમીટીક લેાક