પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાળો પ્રદેશ, તેથી ઉપર જતાં ઝાડની ઘટાઓવાળાં વન ઉપર વન, અને અંતે સુન્દરગિરિના શિખર અને તેને ઘેરી લેતા આકાશનો ઘેરો ઘુમટ ઉભો હતો: એ ધુમટ પશ્ચિમ દિશામાં સમુદ્રના સપાટ વિસ્તાર ઉપર ઉતરી પડતો હતો અને માણસની દૃષ્ટિને ક્‌હેતો હતો કે “ત્‍હારાથી જવાય એટલે દૂર જા અને જોવાય એટલું જો – અને તેની સાથે એ પણ જોઈ લે કે ત્‍હારી મર્યાદા કેવી છે.” નદીના પૂર્વ ભાગમાં નદીનો પ્રવાહ વાંકો ચુંકો થતો અને આગળ આગળ જોઈએ તેમ ન્‍હાનો ન્‍હાનો દેખાતો, એક પાસની ભેખડો અને બીજી પાસના ઢોળાવ વચ્ચે એક ઝીણી સેંથી જેવો – લીટી જેવો – વાળ જેવો લાગી અંતે અદ્રશ્ય થઈ જતો હતો.

“બેટ” ને મધ્ય ભાગે એક ઉંચો છોબન્ધી ઓટલો હતો. ઓટલા ઉપર વાંસ દાટેલો હતો અને વાંસ ઉપર ઝીણી ધજા હતી. વાંસને નીચલે ભાગે એક ભગવા ખાદીના કપડાની રાવઠી જેવું હતું. તેમાં કોરી ઋતુમાં એક બાવી રહેતી અને એક ન્હાના પથરા ઉપર માતાની મૂર્તિ કોતરી સિન્દુર આદિથી પૂજતી હતી. સુરગ્રામની વસ્તી એને બેટનાં માતાને નામે એાળખતી નદી અને તીરના મેદાન ઉપર ભરવાડો, રબારીઓ, અને ગેવાળ લોક આખો દિવસ ફરતા અને પાસેની લીલોતરીમાં પોતાનાં ટોળાંને ચરાવતા, ગામના લોક યાત્રાઓને દિવસે, રવિવારે, અને બીજા દિવસોએ સવાર સાંઝ માતાનાં દર્શન- નિમિત્તે આ સ્થળે આવતા અને સૃષ્ટિની રમણીયતાને પવિત્ર ધર્મસંસ્કારો દ્વારા ભેાગવતા.

માતાની બાવી યુવાવસ્થાના પૂરમાં હતી પણ વૈરાગ્યની સુન્દરતા તેના મનમાં રમી રહી હતી અને સાંસારિક વિકારોને હડસેલી નાંખી ભક્તિરસની ટોચ ઉપર નિરંકુશ વૃત્તિથી ફરકતી હતી. જે દિવસે કુમુદસુંદરી તણાઈ તે દિવસે સુંદર સ્વરથી બાવી ગાતી હતી અને ઓટલા આસપાસ ગામની સ્ત્રીઓ તે ઝીલતી ગરબે ફરતી હતી.

“મા સુન્દરગિરિથી ઊતર્યા, બીરદાળી મા,
“મા નૌતમ બાળે વેશ, ઝાંઝર વાગે મા.
“આ પ્રાતઃકાળે આભલાં, બીરદાળી મા,
“તુજ ઘાટડીએ વીંટાય, ઝાંઝર વાગે મા.
“આ સુરજ સન્મુખ લટકતો, બીરદાળી મા,