પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮

ટ્યૂટનો, કેલ્ટ લોક, ફ્રાંક્ લોક, આદિ લોકવર્ગથી પૃથ્વીનો વિસ્તાર સમજાતો; હાલ હીંદુસ્થાન, ઇંગ્લેંડ, ફ્રાંસ, ચીન, આદિ ભૂમિ-વિભાગોથી પૃથ્વીનો વિસ્તાર સમજાય છે. સંક્ષેપમાં આદિકાળ એટલે જંગલી અવસ્થાને સમયે પ્રજાઓ સ્વજાત્યભિમાન અથવા સ્વલોકાભિમાન ધરતી ત્યારે સુધારાના યુગમાં સ્વદેશાભિમાન ધરાય છે. આપણી નાતો અને આપણાં શમ્ભુમેળા થયલાં કુટુમ્બો એ માત્ર આ દેશના સ્વજાત્યભિમાનની જંગલી કાળનો અવશેષ બાકી ર્‌હેલો છે, અને હવે તેને નષ્ટ કરશે તે સુખી થશે, ને તેને વળગી ર્‌હેશે તે જાતે નષ્ટ થશે અને તેમનો નાશ થયો એટલે તેમના આ યુગનો પણ નાશ જ થયો સમજવો. સર્ હેનરી મેન્‌નું સૂત્ર આપણી ભાષામાં લેઈએ તો આદિકાળમાં પ્રજા-માળા સામાજિક હતી અને એ માળાના મણિકા કુટુમ્બો હતાં ત્યારે સુધારાના યુગમાં એ માળા દૈશિક થઈ છે અને તેના મણિકા વ્યક્તિઓ છે; કુટુમ્બ એ માત્ર એક ન્હાની જાતિ છે, નાત એ જરા મ્હોટી જાતિ છે અને લોકવર્ગ એ પુરેપુરી મ્હોટી જાતિ છે. જાત્યભિમાન અને કુટુમ્બાભિમાન આદિકાળનો અવશેષ છે; દેશાભિમાન સુધારાના યુગનો ફુવારો છે."

“આદિ કાળના લોક જંગમ - nomadic - ર્‌હેતા, તેઓ કાળે કાળે દેશ બદલતા અને અમુક તેમનો દેશ હતો એમ ક્‌હેવાતું નહી. આખી જાતિ ને જાતિ આર્યોને નામે ઓળખાઈ તેની અનેક શાખાએ સમુદ્રના તરંગો પેઠે એક પછી એક યુરોપમાં ગઈ અને એશિયાના દક્ષિણ ભાગમાં આવી. યુરોપ, ઈરાન, અને હીંદુસ્થાન આમ વસ્યાં છે. આપણા ક્ષત્રિયો, આપણા બ્રાહ્મણો, આપણા વૈષ્યો, આમ જાતિ-બંધ થઈ આ દેશમાં વસ્યા. બ્રાહ્મણોએ જાતિઓ અને તેની શાખાઓ જાળવી એટલું જ નહીં, પણ ગોત્ર અને શાખાઓ જાળવી – કુટુમ્બોમાંથી એ જાતિઓ થઈ. આપણામાં એ સામાજિક સાંકળો હતી, પણ લોકને દેશે દેશે સ્થાયી થવું ૫ડ્યું તેમ એ સાંકળો ત્રુટી, અને દેશવાસ, નગરવાસ, આદિ સંબંધોથી એક બ્રાહ્મણજાતિમાંથી અનેક બ્રાહ્મણો થયા અને એક વૈશ્યોમાંથી અનેક જાતિનું મહાજન થયું. આ હાલની આપણી નાત જાતો – એ – નથી સામાજિક સાંકળો, નથી દૈશિક સાંકળો, પણ બેનું મિશ્રણ છે, ત્યારે આપણું કુટુમ્બજાળ કેવળ સામાજિક માળાના મણિકારૂપે રહ્યાં છે. તમારે આ મણિકા જાળવી રાખવા છે અને મ્હારે તે તેાડી નાંખવા છે.”