પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦

આખલા અને પાડાઓ પેઠે મસ્તી કરશે અને રાંક ગાયભેંશોને રંજાડશે, અને સ્વતંત્ર મનુષ્યશક્તિથી દ્રવ્યોપાર્જન કરવાની શકિત કે શૂરત્વ તેમનામાં આવવાનાં નથી. તમારાં કુટુમ્બો ઉપર દયા રાખવી અને શરીરબળવાળાં ભીખારીઓને દાન કરવું એ ઉભય કાર્ય ઉભય પક્ષકારને હાનિકારક છે અને સ્વ-પર પાતક છે ! પણ અર્જુને કમાયેલી દ્રૌપદીને પાંચે ભાઈઓએ વ્હેંચી લેવા મૂર્ખ માતાએ કરેલી ભ્રષ્ટ આજ્ઞા પાળવાનો જંગલી આચાર લક્ષ્મીબાઈના સંબંધમાં પાળવો એ તમારા જેવા પંડિતોને પણ પ્રિય છે ! સર્વથા ઈંગ્રેજી વિદ્યા હજી સુધી તમારા જેવાઓ ઉપર પડી તે મરુભૂમિમાં વૃષ્ટિ થયા જેવું જ થયું છે ! ખોટી કુટુંબવત્સલતાનો ત્યાગ કરવા સરસ્વતીચંદ્રની છાતી ચાલી નહી એટલા તેઓ બાયલા તો ખરા, કારણ કુમુદસુંદરીનો સ્વીકાર કરી પછી લક્ષ્મીનંદનના દ્રવ્યને લાત મારવી જોઈતી હતી; તેમ કરતાં તેઓ પાછા હઠ્યા. પણ આ ઉત્તમ કાર્ય ન થયું તે મધ્યમ પક્ષ એમને જડ્યા કે જંગલી કુટુમ્બજાળની પાશ માથા ઉપર ફેંકાતી જોતાં સત્વર ચેતી ગયા અને જાળ આગળથી ખસી ગયા, તે એટલી એમની ચતુરતાને હું ધન્યવાદ આપું છું ! મ્હારો આ પત્ર તેમને દેખાડજો અને મધ્યમ પક્ષમાંથી ચ્હડી ઉત્તમ પક્ષમાં આવવા તેમને સમર્થ કરજો.”

“આ અર્થશાસ્ત્રનું તાત્પર્ય. હવે નીતિશાસ્ત્ર લ્યો. આપણે કીયું નીતિશાસ્ત્ર પકડીશું ? સર્વે શાસ્ત્રામાં ચોરી અને અસત્યને પ્રતિષેધ છે. શું તમારા કુટુમ્બમેળાઓનું બંધારણ એવું છે કે આ બે વસ્તુ ત્યાંથી દૂર ર્‌હે ? રામનું રાજ્ય છીનવી લેવાની આજ્ઞા કૈકેયીએ દશરથની પાસે કરાવી તે દિવસ એવો હતો કે સત્યપ્રતિજ્ઞાને આધારે ઉઘાડે દિવસે લુટ થતી થવા દેવી પડી. જ્યાં કુટુમ્બમેળે ત્યાં કુટુમ્બછત્ર – patriarch - ના દ્વારા થયેલી અનીતિ જેવી આમ રામરાજ્યમાં થઈ તેવીજ ધૃતરાષ્ટ્રના છત્ર નીચે અધિકતર ધૂર્તતાથી થતી આપણે વાંચી છે. મ્હોટા ન્હાના ભાઈઓ ને પુત્રો અને તેમની સ્ત્રીઓ, પુત્રીઓ, પુત્રપુત્રીઓનાં બાળકો, અને સર્વેનાં માતાપિતા:– એ સર્વનાં સમવિષમ ભાગ્યો અને એ સર્વની વચ્ચેના અનેક પક્ષપાત અને રાગદ્વેષનાં ચિત્ર કૈકેયી અને ધૃતરાષ્ટ્રના યુગથી તે આજ સુધી આ ભૂમિમાં પડી રહ્યાં છે, અને કૌરવ પાણ્ડવાનાં જેવાં નીતિઅનીતિનાં ન્હાનાં મ્હોટાં દ્યૂત અને યુદ્ધ ઘેરઘેર થોડાં અથવા વધારે, ગુપ્ત અથવા પ્રકટ, મચી રહ્યાં છે, જે દેશના ગૃહસંસારમાં જ પવિત્રતા અને શાંતિને