પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩

ગોસાંઈજી મહારાજાઓની સેવા ભાવિક સ્ત્રીઓએ તન મન અને ધનથી કરવી અને તનને એવું અર્પણ કરવું કે વ્યભિચારને પણ દોષરૂપ ન ગણવો એવો દુષ્ટાચાર એક કાળે હતો તે તમે વાંચ્યું હશે. યોગ્ય સૂત્રનો અત્યુપયોગ થાય એટલે દુરુપયોગ થાય તેનું આ દૃષ્ટાંત છે. એજ ન્યાયે માબાપની આજ્ઞા પાળવાનું યોગ્ય સૂત્ર કેવી અયોગ્ય રીતે લોક સમજે છે તે જુવો. જે વયમાં બાળક બાળક હોય છે અને તેના પોતાના ભવિષ્ય સુખને માટે જ તેના ઉપર માતાપિતાની આજ્ઞાઓની આવશ્યક નીતિ છે તે વય જતાં એ આજ્ઞાઓ કેવળ અસ્થાને અને અનધિકૃત છે. એ આજ્ઞાઓનો ભાર માતાપિતાના સ્વાર્થને માટે નથી, પણ બાળકના સ્વાર્થને માટે છે, અને જેમ પુત્ર-પુત્રીઓનાં શરીર પિતામાતાના જેવડાં થાય છે તેમ તેમની બુદ્ધિઓ પણ કાળે કરીને પિતામાતાના જેવડી થાય છે. ખરી વાત છે કે પિતામાતાનો અનુભવ પુત્રપુત્રીઓને ન હોય, પણ તેટલા જ કારણથી પિતામાતાની આજ્ઞાનો ભાર પુત્રપુત્રીઓ ઉપરથી ઉઠવો યોગ્ય ન ગણીયે તો તો પિતામાતાનાં વર્ષ હંમેશ પુત્રપુત્રીઓથી વધારે હોય જ અને તેના પ્રમાણમાં તેમનો અનુભવ પણ વધતો જાય અને માતાપિતા મરે ત્યાં સુધી પુત્રપુત્રીઓને માથેથી આજ્ઞાનો ભાર કદી ઉઠવો જોઈતો નથી, નક્કી, આવું મૂર્ખ અને દુષ્ટ સૂત્ર આપણાં શાસ્ત્રોએ બાંધ્યું નથી, પણ આપણી હાલની પ્રજા એ સૂત્રને મનમાં માન્ય ગણે છે. સત્ય સૂત્ર એ છે કે જે આપણાં શાસ્ત્ર કહી ગયાં છે તે એ કે

प्राप्ते च षोडषे वर्षे पुत्रं मित्रं समाचरेत् ।

સોળમે વર્ષે પુત્રને મિત્ર ગણવો તે શા કારણથી અને કેવી રીતે ? પિતાની આજ્ઞાનું ગૈારવ એ કાળથી નષ્ટ થાય છે અને પુત્રનું સ્વાતંત્ર્ય સિદ્ધ ગણાય છે. જો પિતાનો અનુભવ એ આજ્ઞાનું કારણ હત તો આમ ગણાત નહી. જો પિતાનો સ્વાર્થ એ આજ્ઞાનું કારણ હત તો આમ થાત નહી. જો પિતાએ કરેલા ઉપકાર એ આજ્ઞાનું કારણ હત તો આમ થાત નહી. ત્યારે એ આજ્ઞા-વિધિનું કારણ શું ? સોળમા વર્ષ સુધી પુત્રની બુદ્ધિ ઉગતી હતી અને ત્યાં સુધી એના સ્વાર્થને માટે પિતાની બુદ્ધિને માથે પુત્રને આજ્ઞા કરવાનો અધિકાર હતો. સોળમે વર્ષે એ કારણ નષ્ટ થતાં કાર્ય નષ્ટ થયું ગણ્યું. સોળમા વર્ષથી પુત્રની બુદ્ધિ શાસ્ત્રોએ સ્વતંત્રતાને યોગ્ય ગણી અને પિતાની આજ્ઞાનો અધિકાર ખેંચી લીધો.