પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪

એ કાળથી પછી જો પિતા આજ્ઞા કરે તો તે શાસ્ત્રનિષિદ્ધ છે. ત્યાર પછી પુત્રની બુદ્ધિને સ્વતંત્રતા આપવામાં જ તેનું કલ્યાણ છે અને પિતાનામાં અધિક બુદ્ધિ હોય તો તે પુત્રની પાસે મિત્રની પેઠે વાપરે, પણ તેમ ન કરતાં આજ્ઞા કરવા જાય તો તે પિતા પાપી છે, દુષ્ટ છે, એ નક્કી સમજજો. બુદ્ધિ એ ઈશ્વરનો પ્રસાદ છે, તે ઓછી-વત્તી આપવી એ ઈશ્વરનું કામ છે, તે જેવી હોય તેવી ઈશ્વરના જયોતિરૂપ ગણવા યોગ્ય છે. ગાયત્રી દ્વિજમાત્રને તે વાતનું નિત્ય સ્મરણ કરાવે છે, એ જ્યોતિ મન્દ અથવા ઉગ્ર રૂપે પ્રકાશતું હોય તો પણ તેનું તિરોધાન કરવાનો અધિકાર માત્ર ઈશ્વર અને રાજા શીવાય બીજા કોઈને નથી, અને જે કાળે એ જ્યોતિનું સ્વાતંત્ર્ય જન્મે ત્યાર પછી પિતા એ તેના ઉપર આજ્ઞા કરવી એ આ જ્યોતિની અને તેની સ્વતંત્રતાની હત્યા કરવા જેવું દુષ્ટ કર્મ છે. કેટલાક પુત્રોની બુદ્ધિ પિતાના કરતાં મન્દ હોય અને તે પુત્રની બુદ્ધિને સ્વતંત્રતા આપવાથી પુત્રને હાનિ હોય, પણ તે હાનિ થતી અટકાવવા આજ્ઞા કરવાનો અધિકાર પિતાને પ્રાપ્ત થતો નથી. જો એવી રીતે પિતાને અધિકાર પ્રાપ્ત થતો હોય તો એ પરિણામ થાય કે પોતાને જગતનાથી ડાહ્યાં ગણવાનો અભ્યાસ સર્વને છે તે ન્યાયે સર્વ પિતાઓ પોતાને પુત્રનાથી ડાહ્યા ગણે અને પુત્રનું બુદ્ધિજ્યોતિ કદી સ્વતંત્રતા પામે જ નહીં. માટે જ સુજ્ઞ શાસ્ત્રકારે વયની મર્યાદા મુકી કહ્યું કે સોળ વર્ષે પુત્રમાં આ જ્યોતિની સંભાવના થવી જોઈએ ને પિતાનો આજ્ઞાધિકાર બંધ થવો જોઈએ. સોળને સ્થાને હરાડ કે વીશ કે ગમે તેટલી સંખ્યા મુકવી એ વાત દેશકાળ પ્રમાણે રાજા અથવા શાસ્ત્ર અથવા દેશાચારના હાથમાં ર્‌હે એમાં કાંઈ બાધ નથી. પણ આજ્ઞા કરવાના લોલુપ પિતાના હાથમાં તે વાત ન હોવી જોઈએ, ગમે તે વયે પણ આ મર્યાદા બંધાય એટલું બસ છે, પણ મર્યાદાકાળ થયો કે જેમ બાળકી સ્ત્રીઅવસ્થા પામી પિતાથી અસ્પૃશ્ય ગણાય છે તેમ પુત્ર પુરુષાવસ્થા પામી પિતાથી અનાજ્ઞેય ગણવો જોઈએ. આ વિષયમાં લોકકલ્યાણનું સત્ય સૂત્ર આ છે તે સર્વ સુધારેલા દેશોમાં મનાયું છે. રોમમાં પિતૃસત્તા - patria potestas - ભાંગી તે આ જ વિચારે, ઈંગ્લાંડમાં પણ એમ જ થયું છે. આપણામાં પણ ઉક્ત મર્યાદા લખેલી છે. માત્ર અર્વાચીન કાળમાં જ આપણે કપાળે એ મર્યાદા ત્રુટી છે અને પુત્રો વૃદ્ધ થતા સુધી માતાપિતા તેમના ઉપર આજ્ઞા કરવાની લોલુપતા રાખે છે, એ લોલુપતાને અટકાવવા ઈચ્છા રાખનાર પુત્રને માથે કૃતધ્નતાનો આરોપ મુકે છે અને