પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬

કર્યું એમ હું માનું છું, પણ મૂર્ખતાને લીધે આ શત્રુકૃત્યતાનું તેમને ભાન ન હતું, પણ આ પણ એક પ્રીતિકૃત્ય છે એવું તેમને ભાન હતું; માટે જ આ શત્રુકૃત્યને હું જનકકૃત્યની તુલામાં મુકું છું. જનકકૃત્યને નામે ઓળખાતા આ શત્રુકૃત્યનું સ્વરૂપ સવેળાએ સમજવાનો પ્રસંગ આવ્યે એ સરસ્વતીચંદ્રનું મહાભાગ્ય, એ પ્રસંગ આવતાં તરત ચેતી ગયા એ એમની ચતુરતા, અને એ પ્રસંગ સુધારવાને ઠેકાણે બગાડી નાંખ્યો એ એમની અનુભવશૂન્યતા !"

"મ્હારા પિતાએ મને ભણાવ્યો, પરણાવ્યો, અને અન્નાદિ આપી ઉછેર્યો. આ ત્રણ જનકકૃત્યને અંગે તેમને ત્રણેક હજાર રૂપીઆનું ખરચ થયું છે, તેના વ્યાજનું વ્યાજ ગણતાં કુલ સાતેક હજાર રુપીઆ થાય છે. મને પરણાવેલી શ્રીમતી પ્રતિ મ્હારો, ધર્મ પાળવામાં મને વિધ્ન આવે એવાં શત્રુકૃત્ય મ્હારાં માતાપિતાએ આરંભ્યાં ત્યાંથી તેમનાં જનકકૃત્ય બન્ધ થયાં અને તેમનાં ભેગા ર્‌હેવામાં મને અધર્મ જણાયો. એ અધર્મ જણાતાં आहारे व्यवहारे च स्पष्टवक्ता सुखी भवेत् એ ધર્મ મ્હેં પાળ્યો, અને કુટુમ્બથી જુદા ર્‌હેવાનો ધર્મ ધર્મ્ય ગણી સાધ્યો. પિતાના જનકકૃત્યનું મૂલ્ય સાત હજારનું થાય તે આપવા તરત મ્હારી શક્તિ નથી, પણ તેનું વ્યાજ તેઓ ઉપજાવી શકત એટલું હું મ્હારી કમાઈમાંથી ધસારો વેઠી તેમને આપ્યાં જઉં છું અને જીવીશ ત્યાં સુધી આપીશ. સાત હજાર રુપીઆ મ્હારી પાસે હાલ નથી તે મળશે તેમ તેમ આપીશ એવી મ્હારી પ્રતિજ્ઞા છે તે માતાપિતાને જણાવી દીધી છે. આથી વધારે બન્ધન મ્હારે શિર હોય એમ હું સમજતો નથી. ઍથૅન્સ નગરીમાં એવો કાયદો હતો કે જે પુત્રને પિતાએ વિદ્યાદાન ન આપ્યું હોય તે પુત્રને માથે પિતાને તેની વૃદ્ધાવસ્થામાં અન્નવસ્ત્ર આપવાનું બન્ધન નહી. ઈંગ્રેજ લોકમાં તો લગ્ન થતાં પુત્ર જુદો જ થાય છે અને સર્વ બન્ધનથી મુક્ત થાય છે. પુત્રને માતાપિતાના ઉપકારને નામે અતિબન્ધનનો દાસ કરી દેવો આ આપણા લોકમાં પ્રશસ્ત ગણાય છે, અને કુન્તીમાતાના કાળથી રૂઢ થયેલા અા અાચારનો અવશેષ આજ સુધી આપણા લોકમાં ચિરંજીવ ર્‌હેલો છે તે માત્ર સામાજિક કાળની જંગલી પ્રશસ્તિનો આપણાં હૃદય ઉપર રહેલો આવેશ જ છે. પ્રિય ચંદ્રકાંત, હું સરસ્વતીચંદ્ર પેઠે આવા આવેશને વશ થતો નથી, પણ આવેશહીન વિચારદ્વારા ધર્માધર્મનો વિવેક કરું છું, અતિધર્મને નામે શિષ્ટ ગણાતાં અતિબન્ધનને તીક્ષ્ણ ધારવાળી છરીથી સત્વર કાપી નાંખું છું, અતિસ્વતંત્રતાને રૂપે