પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
“જમકિંકરની બ્‍હીક ન લાગે, તરી જઈએ ભવસાગ૨,
“ એમાં તું હોડી છો.”

ગરબો આટલે સુધી આવ્યો ત્યાં સમુદ્રની ભરતી વધતી વધતી માતાના ઓટલા સુધી આવી, એટલે નીચે ગરબે ઝીલનારીઓને પગે પાણીની છેાળ વાગી, અને સઉ ગરબો બંધ કરી ઉતાવળાં ઓટલા ઉપર ચ્‍હડી ગયાં.

બાવી ઓટલાને છેડે ફરી ભરતીનો રમણીય ઉત્સાહક પવન ખાવા લાગી, અને સમુદ્ર તથા નદીનાં પાણી ઉપર ફરતી લાંબી દૃષ્ટિ નાંખે છે ત્યાં પૂર્વભાગમાંથી આવી કાંઈક લાંબી વસ્તુ ઓટલે અથડાઈ અને ભરતીના બળથી પાછી નદીમાં ધક્કેલાઈ નદી અને સમુદ્રનાં પાણી એકબીજાને ધક્કેલતાં હતાં ત્યાં આગળ એ વસ્તુ સ્થિર થઈ પાણી ઉપર તરી રહી. સમુદ્રનું કોઈ ચમત્કારી માછલું હોય એવું સઉને લાગ્યું. એ માછલાજેવાની એક પાસે કાંઈક લટકતું હતું અને ત્યાં આગળ પાણીમાં લાલાશ આવતી હતી. એટલામાં લાંબી ઝીણી દૃષ્ટિ કરનારી બ્રાહ્મણી બોલી ઉઠી “ માજી, ક્‌હો ન ક્હો પણ એ માછલું નથી– કોઈ છેાકરીનું મડદું છે.”

સ્વર નીકળતામાં એક ગોવાળીયણ પાટલીનો કચ્છ મારી પાણીમાં કુદી પડી અને એ તથા એની પાછળ બીજી બે ત્રણ સ્ત્રીઓ તરતી તરતી તરનાર વસ્તુ ભણી જોતા જોતામાં વેગભરી વહી ગઈ.

એ સઉની પાછળ જોતી જોતી બાવી બોલી “માતાજીનો પરતો એવો છે કે નદીમાંથી આવતી વસ્તુ નદી ભણી અને રત્નાકરમાંથી અાવતી વસ્તુ રત્નાકર ભણી માના બેટને અઠીંગી ખડી ર્‌હે અને ડુબી ન જાય, તેમાં માજી પોતાની દીકરીઓને તો આંચ આવવા દેતાં જ નથી. આપણે આટલે છેટે છીએ ત્‍હોયે આ નીતરેલાં નિર્મળ પાણીમાં આ છોકરીને જોઈ શકીયે છીએ અને માજીની મરજી હશે તેથી જ એને ઉગારવામાં વાંધે નહી પડે.”

"ઈશ્વર એને ઉગારો” એક બાઈ બોલી.

“જો વળી આ ઈશ્વરવાળી ! બાપુ, તને ખબર છે કે માજીની છાયામાં પુરુષ પણ સ્ત્રી થઈ જાય છે અને હરિ હર બ્રહ્મા માજીને ઘેર ઘોડીયામાં ભરાઈ ગયા ત્યાં કોઈ ઈશ્વરને સંભારે તે માજીને કુંડું પડે. ઈશ્વર અને ઈશ્વરી જુદાં નથી. એ બેનાં સ્વરૂપ એક છે. પણ સ્ત્રીનાથી