પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧


“તરંગશંકર, પ્રીતિને માયારૂપ અસત્ય ગણવાનું તમે શીખવ્યું તે પ્રમાણે કુમુદની પ્રીતિનું સ્વપ્ન ક્‌હાડી નાંખું તો હું આ મ્હારા સાંપ્રત વેશને યોગ્ય કાર્ય કરું – એની ના નહી. પણ બુદ્ધને સ્વપ્રિયાએ ક્ષમા અર્પી તે પ્રમાણે હું કુમુદસુંદરીની ક્ષમા મેળવું ત્યાં સુધી બુદ્ધના શાંત સંન્યાસનું શમસુખ લેવાનો મને અધિકાર નથી ! બુદ્ધના ત્યાગથી એની રાણી પરહસ્તગત થઈ ન્હોતી. કુમુદ, તું પ્રમાદને હાથ ગઈ અને અસહ્ય દુ:ખ પામી – તેનું કારણ હું ! લોકદૃષ્ટિએ વિવાહવિધિ થયો નથી ગણી હૃદયે સ્વીકારેલો વિવાહ તોડવાનું પાપ કરનાર તે હું છું !”

“પ્રિય ચંદ્રકાંત ! પ્રથમ હું મ્હારી પ્રતિજ્ઞા પાળીશ અને કુમુદનું ઉદાર ચિત્ત મને શુદ્ધ ક્ષમા અર્પે ત્યાં સુધી હું નિરાધાર અને નિરાકાર – અલખ - રહી આ વેશે ભટકીશ અને મ્હારા હૃદયમાં પ્રીતિના અંગારને અહોનિશ બળવા અને બાળવા દેઈશ !"

“અહો ઓ જીવ મ્હારા રે !
“દઈ આ દંશ દારાને,
“ઘટે ના ભેાગ-સંસાર,
“ઘટે ના શાન્ત સંન્યાસ ! ! ! ”

ક્રોધથી પાસેના પત્થર ઉપર મુક્કી મારી અને પગ પૃથ્વી ઉપર અફાળ્યો.

“શરીરે ભસ્મથી છાયો,
“ઉરે અત્યન્ત સંતાપ્યો,
“ઉંડે જ્વાળામુખી જેવો,
“હવે સંન્યાસ આ તેવો !”

કપાળે, ઓઠે, અને આંખોમાં ઉગ્ર, તીવ્ર ને દૃઢ નિશ્ચય પ્રકટ્યો.

“સ્ફુરે પોતે, ન દેખાય,
“કુમુદની ગન્ધ ગ્રહી વાય,
“અરણ્યે એકલો વાયુ !
“જીવન એ ભાવિ છે મ્હારું !”

હાથ આકાશમાં વીંઝ્યો અને મુખ ઉપર આત્મપ્રીતિ અને તૃપ્તિ જ્વલિત થઈ.

“ચંદ્રકાન્ત ! ચંદ્રકાંત ! ક્ષમા કરજે ! કુમુદની ક્ષમા મળતા સુધી આ પ્રીતિના તપથી તપેામય સંન્યાસ છે, ક્ષમા મળવા પછી શાંત