પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫

આવતાં નેત્રદ્વારમાં આવજા કરતી, મોહનો વિજય થતાં નિ:શ્વાસને માર્ગ આપતી અને સંસારનું અસાર સ્વરૂપ સમઝાતાં પાછી આવતી, અને અંતે એ પાછો નિદ્રામાં પડતો. પુત્રીનું સૈાભાગ્ય અખંડ રહ્યું અને વૈધવ્ય જોવા વારો આવ્યો નહી એ વિચાર રોતાં રોતાં થઈ આવતો ત્યારે ગુણસુન્દરી શાંત થતી, પણ રંક અને સુશીલ પુત્રીનાં દુઃખ સાંભરતાં એની આંખમાં આંસુની રેલ ચાલતી. એને આખી રાત નિદ્રા ન આવી, પણ ઘડીક એ સુતી સુતી આંસું સારતી, ઘડીક પથારીમાં બેઠી થઈ રોતી, ઘડીક શાંત થઈ ઉઘાડી કે મીંચેલી આંખે પણ જાગૃત હૃદયે પડી ર્‌હેતી, અને ઘડીક પાસે સુતેલી સુન્દરની સાથે કુમુદની વાતો રોતી કકળતી કરતી.

દિવસે દિવસે શોક જુનો થવા આવ્યો, અને સંસારનો વ્યવહાર સર્વનાં સ્મરણચક્ષુ ઉપર પડદો નાંખવા લાગ્યો; કુમુદના સમાચારથી સર્વ કુટુમ્બની આ અવસ્થા થઈ એટલા દિવસ તેમના ચિત્તમાંથી કુસુમની ચિન્તા અદૃશ્ય થઈ. માતાના આશ્વાસનમાં - અને શોકવ્યવહારનાં કાર્યોમાંથી પરવારતાં એકલાં – પડવાના પ્રસંગ વધતા ગયા અને તેની સાથે આ બાળકીના હૃદયમાં નવા અનુભવના પરિણામ, નવા વિચાર, અને નવી ચિન્તાઓને ભરવા લાગ્યા, અને તે પ્રમાણે પોતાનું ભવિષ્ય બાંધવાની આતુરતા એના એકાંત અવકાશમાં વીજળીના જેવા ચમકારા કરવા લાગી. આણી પાસથી કુસુમ આમ આકર્ષાવા લાગી, ત્યારે બીજી પાસથી બીચારી સુન્દરની ચિન્તાઓ વધવા લાગી. વિદુષી છતાં ગુણસુન્દરીને કુમુદનો ઘા અતિશય લાગ્યો અને એ હૃદયશૂન્ય બન્યા જેવી દેખાતી હતી અને ગૃહકાર્યથી તેમ કુસુમની ચિન્તાથી કુમુદના શોકે એને મુક્ત કરી. સુન્દર એક પાસથી ગુણસુન્દરીની પાછળ પાછળ ભમતી અને બીજી પાસથી કુસુમની પાછળ ભમવાનું એની દૃષ્ટિએ મુક્યું નહીં. ગુણસુન્દરીને શોકમુક્ત કરવામાં, અને મોઈ પુત્રીના શોકમાં ડુબેલી માતાએ એકલી પડવા દીધેલી કુસુમના સ્વચ્છન્દ લાગતા આવેશને ડાબેલા રાખવામાં, સુન્દરની ચિન્તાઓ વ્હેંચાઈ ગઈ અને જન્મપર્યંત પોતાને આભારી કરનારી ગુણીયલ દેરાણીએ કરેલા ઉપકારેનો બદલો વાળવાને આ ઈશ્વરે આપેલો પ્રસંગ જાળવવામાં સુન્દર શિથિલ થઈ નહી.

પોતાના લતાગૃહના માંડવામાં, પાસેના તળાવની કોર ઉપર, અને