પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬

આશપાશની કુંજગલીઓમાં, આખો દિવસ અને રાત્રિને પ્રથમ પ્રહરે કુસુમ એકલી એકલી ફરવા લાગી અને પોતાના વિચારની ચક્રદોલાએ (ચકડોળે) ચ્હડવા લાગી.

પરણ્યાં એટલે પડ્યાં એ વાત નકી ! કુમુદબ્હેન ! તું ગઈ અને પ્રમાદધન ગયા ! તમે બે જીવતાં હત કે તું એકલી જીવતી હત તો ત્હારા દુ:ખનો પાર ન હતો ! એ દુ:ખનું કારણ ત્હારો વિવાહ ! વિવાહ એ સ્ત્રીજાતનો શત્રુ છે. વૈધવ્યમાંથી મરણે તને છોડવી એ વિચારથી ગુણીયલને આવા દુઃખમાંથી કળ વળે છે! તેનું કારણ શું ? કુમુદબ્હેન પરણી ન હત અને વિધવા થઈ ન હત તો સુખી હત ! માણસ મરે તો પણ તેનો શોક પાછળ ર્‌હે છે તેમ લગ્નદશા સમાપ્ત થાય તો પણ તેની છાયા પાછળ ર્‌હે છે – એ છાયા તે વૈધવ્ય ! જે લગ્નની છાયા આટલી ભુંડી છે તે લગ્ન કેટલું ભુંડું હોવું જોઈએ? બ્હેનના વૈધવ્ય કરતાં એનું મરણ સારું ગણાયું ! માટે આપણે તો વૈધવ્ય પણ નહી ને લગ્ન પણ નહી ! માત્ર કાકીને મને પરણાવી ખાડામાં નાંખવાની ઘેલછા લાગી છે. પણ ગુણીયલ હજી બોલતી નથી, અને અત્યાર સુધી હું કુમારિકા રહી છું તે પિતાજીની કૃપાથીજ."

આટલો વિચાર કરી એ હરિણી પેઠે દોડી અને ગુલાબના છોડ વચ્ચેની ગલીમાંથી દોડી આવી તળાવ પાસે એક ભુરા કાચની બરણી જેવી બેઠક ઉપર બેઠી. એને દોડતી દેખી સુંદર આઘેથી પાસે આવી એને માથે હાથ મુકી બોલવા લાગી.

"બેટા, તું દોડાદોડ કરે એ તે આટલે વયે છોકરી માણસને માટે કંઈ સારું ક્‌હેવાય? તું મ્હોટી થવા આવી !"

કુસુમ– "છોકરી જો પરણી હોય ને પછી દોડે તો તે ખોટું ક્‌હેવાય. પરણ્યા સુધી કુમારિકા ગમે તેવડી હોય તે દોડે."

સુન્દર–“પણ હવે ત્હારે પરણવાનું કંઈ છેટે છે? ગુણીયલને ત્હારી કેટલી ચિન્તા થાય છે તે તને ખબર છે? કુસુમ, હવે તું કાંઈ ડાહી થા. આવે કાળે માની ચિન્તા તું એાછી નહી કરે તો પછી કયારે કરવાની હતી?"

આ વાક્યના મર્મભાગે સફળ પ્રહાર કર્યો અને કુસુમ અંકુશમાં આવી ગંભીર થઈ ગઈ. મનુષ્યમાત્રની નિરંકુશતાને પ્રસંગ છોડાવે છે. દુષ્ટો શિક્ષારૂપ વિપત્તિના પ્રસંગથી અંકુશમાં આવે છે. મૂર્ખ જનને અંકુશમાં આણવા એક વિપત્તિઃ બસ નથી, પણ અનેક વિપત્તિઓના ખપ પડે છે, ચતુર અને