પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭

સાધુ પણ અનુભવહીન જનને પોતાની અથવા પારકી વિપત્તિનું દૂરથી પણ દર્શન થતાં બોધ મળે છે અને વગર–અંકુશે બોધનો અંકુશ જાતે સ્કુરે છે. બોધના અંકુશને યોગ્ય પણ બાળ વયના ઉત્સાહથી ભરેલી યુવાવસ્થાને આવા દર્શનમાંથી લેવાના પ્રબોધનું ભાન આણનાર પ્રિયબોધક મનુષ્ય જોઈએ છીએ. આવો સંયોગ કુસુમને હતો. એના વિકાસની નિરંકુશતા જોઈ ગુણસુંદરી હબકતી હતી, ત્યારે સ્વતંત્ર બુદ્ધિવાળાં મનુષ્યોની પ્રકૃતિનો સુજ્ઞ વિદ્યાચતુર એને ધૈર્ય આપતો હતો અને બાલક શરીરરૂપ યજ્ઞ ઉપર બુદ્ધિના અગ્નિને દાસત્વમાં નાંખવાનું પાપકર્મ ન કરવાનાં કારણ બતાવી એ અગ્નિને કેવી રીતે કેવા તપથી સાધવો એ દર્શાવતાં બોલ્યો હતો કે – “ગુણીયલ! નવી પરણેલી મુગ્ધા સ્ત્રીને જેમ દક્ષ નાયક બળથી નહી પણ કળથી વશ કરી લે અને એ મુગ્ધાનો રસ વધારે, તેમ જ બાળકની બુદ્ધિને પણ કેળવવાની છે.” જો આપણાં બાળક આપણા કરતાં વધારે બુદ્ધિવાળાં થાય એમ આપણી ઇચ્છા હોય તો તેમની બુદ્ધિને આપણી બુદ્ધિની બેડીઓમાં કેદ ન કરવી, કારણ માબાપની બુદ્ધિની માત્ર આજ્ઞાકર થવા શીખેલી બુદ્ધિ સ્વતંત્ર રીતે ઉડવાનો અભ્યાસ પામતી નથી. બાળકની બુદ્ધિને પગે માબાપે ઘડેલી બેડીઓ નાંખવી નહી, પણ એ બુદ્ધિ જાતે ચાલે, પડે, અને ઉઠે અને શક્તિ હોય તો દોડે તેમાં માબાપે વિઘ્ન ન નાંખવું. એ બુદ્ધિ પોતાની કળાથી નૃત્ય કરે તો કરવા દેવું. તેને વિદ્યા એ અન્ન છે, વિચાર એ વ્યાયામ (કસરત) છે, સ્વતંત્રતા એ તેના પ્રાણનું પોષણ કરનાર પવન છે, ઉત્સાહ એ એની ક્રિડાભૂમિ છે, અને સંસારનું અવલોકન એ એને જીવન આપનાર પાણી છે. માતા - પિતાનો ધર્મ એ છે કે એ પાણી નિર્મળ રાખવું, એ પવન નિર્મળ અને અપ્રતિરુદ્ધ રાખવો, એ ક્રિડાભૂમિમાં અધમ સંગતિ જવા દેવી નહી, અને એ વ્યાયામમાં ન્યૂનતા કે અતિશય થાય નહી અને વ્યાયામને અંતે ફરવા માંડેલા લોહીથી ભરેલી નસોમાં અયોગ્ય પદાર્થને સ્થાને પોષક અન્ન જાય, માતાપિતા ભણીના અંકુશની સમાપ્તિ આટલામાં થાય છે. બાલ્યાવસ્થામાં આટલા અંકુશમાં રહી બાળકની બુદ્ધિ મરજી પડે તેવું નૃત્ય કરે તે કરવા દેવું. એ અવસ્થા જેમ જેમ પુરી થતી જાય તેમ તેમ એ બુદ્ધિના અન્ન સાથે બાળકના ભવિષ્ય પ્રયાણને યોગ્ય ભાથું ભરવું, અને તેની ક્રીડાભૂમિમાં સુખદુઃખોથી ભરેલા સંસારનાં ચિત્ર મુકવાં, દુષ્ટ પવન નિવારનાર તેમ પવનને સુગન્ધ વાહક કરનારા રસ એના ભવનના સર્વ ભાગમાં મુકવા: એટલું સરત