પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦

સુ૦- પુત્રોની સંભાળ પિતા લે અને પુત્રીની માતા લે. જો તું ગુણીયલના વિચારમાં વળે તો ત્હારા પિતાને વાંધો નથી.

કુ૦- તો મ્હારા વિચારને વાળો - એને મરડી નાંખવા શું કરવા મથો છો? મ્હારે કુમારાં ર્‌હેવું છે. એ વિચારને મરડી નાંખી તમે બધાં પરાણે પરણાવશો ત્યારે મ્હારું કંઈ જોર છે? ગાય ને દીકરી - તેને મા-બાપ મોકલે ત્યાં જાય.

કુસુમનું હૃદય ભરાઈ આવ્યું, તેનાં વિશાળ નયન આંસુથી ઉભરાયાં, બાળક હૃદય દુઃખના આવેશથી ધડકવા લાગ્યું, અને કાકીની છાતી ઉપર માથું નાંખી બાળા ધીમે ધીમે રોવા લાગી. સુંદરે ઉંડો નિ:શ્વાસ મુકયો. "બેટા કુસુમ ! એક દીકરીને પરણાવી સરાયાં નથી અને બીજી દીકરીનું પ્રારબ્ધ કેવું નીવડશે તે વિચારતાં અમારાં કાળજાં કમ્પે છે તો ત્હારા જેવી ચકોર જાતને ચિન્તા થાય એમાં નવાઈ નથી. પણ પરણ્યા પછીનાં સઉ દુઃખ કુમારાં રહ્યાંનાં દુઃખથી ઓછાં."

કુસુમ આંસું સુકવી મ્હોં ઉંચું કરી બોલવા લાગી. કાકી, માતાની ચિન્તા ઓછી કરવાની વાત પડતી મુકી, વાદવિવાદમાં ભળ્યાં લાગ્યાં. માતાની ચિન્તા ઓછી કરવાની વાતમાં કુસુમને પોતાનું કાળજું હારી જતું લાગ્યું. વાદવિવાદમાં ઉતરતાં પોતાની બુદ્ધિ ચાલતી લાગી.

"કાકી, પરણેલાંનાં દુ:ખ સઉ દેખીયે છીયે. કુમારાંનાં દુ:ખ કોણે દીઠાં છે?"

સુ૦- ડોસા કુમારા દીઠા છે; ડોશી કુમારી દીઠી નથી તો તેનું સુખ કે દુ:ખ કશું યે શી રીતે દેખાય? બાકી અનુમાનથી જોવાનું તે તો બે પગે ચાલે તે દેખે. ન દેખે એકલી મ્હારી ઘેલી કુસુમ!

કુ૦- ઘેલી ભત્રીજી ન દેખે તે ડાહ્યાં કાકી દેખાડે !

સુ૦- જો બાળક પાસે બધી વાતો થાય નહી અને બાળક મ્હોટાંની વાત કરવાના ચાળા કરે ત્યારે મ્હોટાંએ ન ક્‌હેવાનું ક્‌હેવું પડે.

કુ૦- એમ કરો ત્યારે.

સુ૦- તું લાજ છોડાવીશ ને છોડીશ પણ મમત મુકવાની નહી.

કુ૦- વારું એમ. પણ બોલો તો ખરાં.

સુ૦- જેણે મુકી લાજ, તેને ન્હાંનું સરખું રાજ્ય.

કુ૦- હા ભાઈ, એમ, પણ બોલો.

સુ૦- હું કંઈ ત્હારો ભાઈ નથી. પણ લે, સાંભળ ત્યારે. આ જગતમાં લોક સંસાર શું કરવા માંડતા હશે?