પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧

કુ૦ – તેમને તેમ ગમ્યું. ગમવા ન ગમવાની વાત; તેમાં કારણ શાં ? કોઈને ભાવે ગળ્યું, ને કોઈને ભાવે તીખું; કોઈને ગમે સંસાર માંડવાનું ને કોઈને ગમે કુમારાં ર્‌હેવાનું.

સુ૦ - ના, એમ નથી. ભાવવું ન ભાવવું તેનો આધાર જીભ ઉપર છે. પણ ભુખની વાસના જેવી સંસાર માંડવાની વાસના પ્રાણીમાત્રને વખત આવ્યે થાય છે, જેમ ઝાડમાત્રને પોતપોતાની ઋતુ આવ્યે ફળપુષ્પ થાય છે તેમ પ્રાણીમાત્રમાં યૌવનનો વા વાતાં મોડી વ્હેલી સંસારની વાસના જાતે ઉત્પન્ન થાય છે.

કુ૦ – પણ રાણી સાહેબનાં શિક્ષક મિસ્ ફ્લોરા મડમ છે તે હજી કુમારાં છે, ને બીજું બેાલું ?

સું૦ - બોલને.

કુ૦ – ના, પણ તમને ખોટું લાગે ને મને વ્હડો.

સુ૦ - ના, નહીં ખોટું લાગે.

કુ૦- બીજું તમે પણ ક્યારે સંસાર માંડ્યો છે ?

સુન્દર હૃદયનો નિ:શ્વાસ હૃદયમાં ડાબી બોલી.

“મડમને વાસના નહી થઈ હોય તો થશે ને આજ નહી તો ચાર વર્ષે સંસાર માંડશે. ને બેટા, કાકીની વાત કાકીનું હૃદય જાણે છે કે પરમેશ્વર જાણે છે.”

કુ૦– “ ત્યારે તો તમને વાસના થઈ હશે.”

આંખો ચોળતી, આડું જોતી સ્વસ્થ બનતી સુન્દર બોલી.

“જો, ઈશ્વરે જ્યાં જ્યાં, પ્રાણ અને યૌવન મુક્યાં છે ત્યાં ત્યાં એ વાસના પણ મુકી છે. વિધાત્રી, લક્ષ્મીજી, અને પાર્વતી એ જગદમ્બાના સ્વરૂપ, તેમાં પણ એ વાસના પ્રકટી છે તો ત્હારી કાકી જેવી રાંક જાત તે કોણ માત્ર? વાસના તો યૌવન સાથે ઘડાઈ. તે યૌવન સાથે જશે. પણ એ વાસના મારવી એ ડાહ્યાં અને સદ્‍ગુણી માણસનું કામ.”

કુસુમ જય મળ્યો ગણી ઉભી થઈ હસતી હસતી બોલી.

“ત્યારે એ શુભ કામ કાકીથી બન્યું તે ભત્રીજી બનાવશે ! પણ એટલી હરકત સારું પરણવાના ખાડામાં પડવાનું હોય તો આપણી ચોખી ના.”

સુન્દરે હાથ ઝાલી કુસુમને પાછી બેસાડી.

સું૦- બેશ તો ખરી, એટલામાં ફુલી શું ગઈ? આજ મ્હેં ત્હારી સાથે