પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩

સુ૦ – "છે. એ પણ છે અને અંકુશ પણ છે. સ્ત્રીના શરીરમાં બળ નથી, પણ હૃદયમાં એવું બળ છે કે દુષ્ટ પુરુષો સતીના સામું જોતાં કંપે છે. રાવણ જેવો સીતામાતાને હરી ગયો ખરો, પણ અશોક વનમાં બાર વર્ષ માજી રહ્યાં ત્યાં એ દુષ્ટ, તેમના દૃષ્ટિપાતથી ધ્રુજતો, આવીને જતો ર્‌હેતો, અને રામજીના સામી લ્હડવા છાતી ચલાવી, પણ માજીના શરીરને અડકી શક્યો નહીં. બેટા, રામજીના કરતાં સીતાજીએ વધારે પરાક્રમ કર્યું અને સ્ત્રીજાતને માથે એમનો હાથ હોય ત્યાં સુધી પુરુષ જખ મારે છે.અને પુરુષો સારા અને પંડિત હોય, પણ જાતે વાસનાને રોકી શકતા નથી ત્યારે સામી સ્ત્રી પોતાનું બળ બતાવી પુરુષને સારે રસ્તે ટકવા દેઈ શકે એમ હોય છે. પુરુષ અને સ્ત્રી બે સારાં હોવા છતાં બે જણને વાસના ઉત્પન્ન થાય તેવે કાળે જો સ્ત્રી ધારે તે તેને બળે બે જણ શુદ્ધ રહી શકે અને વાસના નિષ્ફળ થાય. એવું છતાં સ્ત્રી પોતાનું બળ આવી સારી રીતે વાપરવાને ઠેકાણે પુરુષને લલચાવવા બેસે તો પુરુષનું ગજું નથી કે વાસનાને રોકી શકે, પુરુષની લલચાવી સ્ત્રી ન લલચાય, પણ સ્ત્રીનો લલચાવ્યો પુરુષ ટકી શકે એમ ન ધારવું. આવી જાતનું પોતાનું છતું બળ સ્ત્રીયો ન અજમાવે ત્યારે સાધુ પુરુષો એમને ગાળો દે તો તેમનો વાંક નહી."

કુ૦- "મને લાગે છે કે એક પુરુષ અનેક જીવતી સ્ત્રીયો કરે અને સ્ત્રી વિધવા થયા પછી પણ તમારી પેઠે - જાઓ નહી કહું. પણ આપણા લોકમાં આવા ચાલ છે તેનું કારણ એ જ હશે કે પોતાની અને પુરુષની વાસના રોકવામાં બધી બાજી સ્ત્રીના હાથમાં છે–"

સુ૦- "વાહ, દીકરી, જીવતી ર્‌હેજે. અને એટલા માટે જ આપણે પુરુષના વાદ નહીં. એટલા માટે જ શાસ્ત્રમાં આપણે માથે મર્યાદાઓ મુકી છે."

કુ૦– "સુધારાવાળા એમ કહે છે કે પુરુષ બળવાન છે ને સ્ત્રી અબળા છે તેથી પુરુષોએ શાસ્ત્રો કરી સ્ત્રીઓના સુખની મર્યાદાઓ બાંધી અને પોતે સ્વતંત્ર રહ્યા."

સુ૦- ના બેટા, એ સુધારાવાળા પુરૂષો ઝીણવટ સમજતા નથી. બાળા મ્હોટાની સાથે લ્હડવા માંડે ત્યારે બાળકની પેઠે અમર્યાદ ન થતાં બાળકનું રક્ષણ કરી તેને કઠેકાણે વાગી બેસે નહી એમ લાપટઝાપટ કરી બાળકને વશ કરવું એ મ્હોટાનો ધર્મ. નિર્બળ અને બળવાન, સમજુ અને અણસમજુ એવાંઓના પરસ્પર વ્યવહારમાં બળવાન અને સમજુને માથે મર્યાદા અને ધર્મ હોય છે. સંસારની વાસનાઓને અંગે સ્ત્રી પુરુષ કરતાં વધારે