પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪

બળવાળી છે અને સ્ત્રી બળ કરી વાસના રોકી શકે છે માટે શાસ્ત્રે બાંધેલી મર્યાદાઓ પાળવી એ સ્ત્રીનાં બળને ધર્મ છે.

કુ૦– જ્યારે એમ સ્ત્રીયોમાં બળ છે ત્યારે મને પરણવાનું કેમ ક્‌હો છો ?

સુ૦ – બધી સ્ત્રીયો બળવાળી નથી હોતી.

કુ૦ – તે બળવાળી ન હોય તે પરણે અને બળવાળી ન પરણે. આનો ઉત્તર સુન્દરને બરાબર સુઝયો નહી. તે પણ વિચાર કરતી કરતી બોલી.

“જો, બળવાળી પોતાના બળને લીધે ન પરણે તો બળવગરની બીજી લાલચોથી ન પરણે. એકજણ ચાલ પાડે તો બધે ઠેકાણે ચાલ પડે, માટે શાસ્ત્રવાળાએ ઘણો વિચાર કરી પાળ બાંધી તેને પાણી ઓળંગી શકે નહીં. બેટા, આપણું પ્રારબ્ધ આપણાં હાથમાં નથી પણ અનુભવી લોક અને ત્રિકાળ જ્ઞાની ઋષિ મુનિયો આપણું પ્રારબ્ધ બાંધી ગયા છે તેમાં સર્વલોકનું અને આપણું કલ્યાણ જ રહેલું છે. તેમણે મ્હારે માટે આવું પ્રારબ્ધ બાંધ્યું અને ત્હારે માટે પરણવાનું પ્રારબ્ધ બાંધ્યું તેમાં મહારાજ, મણિરાજ પણ ફેર કરી શકે એમ નથી, તો ત્હારા પિતાજી ભણીની તો આશા ત્હારે મુકવી જ !”

કુ૦- વારું, એ તો બધું ઠીક. પણ ધારો કે આરજાઓ, બાવીઓ, અને મડમો કુમારી ર્‌હે છે તેમ હું પણ રહું તો મને પોતાને શી હાનિ ?

સુ૦- તું આજ ધારે છે કે ત્હારામાં વાસના રોકવાનું બળ છે, પણ તે હમેશ તેમજ ર્‌હેશે એમ ન ધારવું.

કુ૦ - પછી ?

સુ૦ – પુરુષને માયાની બ્હીક, પણ સ્ત્રીને માયા અને કાયા બેની બ્હીક,– જ્યાં જાય ત્યાં બ્હીક. ડગલે ડગલે ને પળે પળે ને વસ્તીમાં તેમ એકાંતમાં પણ એ બ્હીક.

કુ૦- પછી ?

સુ૦– શરીરની રચના ઈશ્વરે એવી કરી છે કે પુરુષ ગમે તેટલી ભુલો કરે તો જગત જાણે નહી; પણ સ્ત્રીની એક ભુલથી એવું થવા વારો આવે કે તેનું શરીર જ તેની અધોગતિ પ્રસિદ્ધ કરે અને તેની મુક્તિ ગમે તે બાળહત્યાથી કે ગમે તો નાત જાત અને લાજનો ત્યાગ કર્યાથી જ થાય. કુસુમ, સંસારના જરીક સરખા પણ લ્હાવાની અનુભવીયણ વિધવાને પ્રારબ્ધનો સંતોષ રહી શકે પણ સંસારનું