પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫

સ્વપ્ન પણ જેણે દીઠું નથી એવી કુમારિકાને આ સંતોષ શી રીતે વળવાનો હતો અને આ પપળામણમાંથી તે શી રીતે તરવાની હતી ?

કુ૦ - પછી ?

સુ૦ – તું હાલ સમર્થ માતાપિતાની છાયામાં ર્‌હે છે અને ત્હાડતડકો જાણતી નથી. પણ ત્હારાથી જાતે કમાવા જવાવાનું નથી, ઘડપણ મંદવાડ, અને મરણ સઉને માથે ભમે છે. માબાપની એકઠી કરેલી લક્ષ્મીનો વિશ્વાસ નથી. ત્હારાં માતાપિતાની જે સ્થિતિ આજ છે તે નિત્ય ર્‌હેવાની નથી, અને તેમના દેહ નહી હોય ત્યારે તું અશરણ થઈ સંસારમાં એકલી પડીશ, ત્હારી દાઝ દયા જાણનાર કોઈ ર્‌હેવાનું નથી, અને તું કાકીના બોલ સંભારીશ ને રોઈશ – પણ ત્હારાં આસું લ્હોનાર અંગનું માણસ તને મળવાનું નથી.

કુ૦ – પછી ?

સુ૦ - પરણેલી રાંડે તેને પીયર ને સાસરુ બે છે. મ્હારાં ભાઈ ભોજાઈને મ્હારું મ્હો ગમ્યું નહી અને મને ભુખી તરસી ઘરબ્હાર ક્‌હાડી ત્યારે પરણી હતી તો મ્હારે આટલાં ન્હાની ભાભી હતાં તેને મ્હારી દયા આવી ! ગુણસુંદરી હતાં તો સુન્દર આજ જીવે છે. કોઈ ઠેકાણે દરબારની બ્હીકે તે કોઈ ઠેકાણે લોકલાજથી, કોઈ ઠેકાણે લેાકલાજથી તો કોઈ ઠેકાણે ગયા સ્વામીના સ્મરણથી, કોઈ ઠેકાણે તેથી તો કોઈ ઠેકાણે કુટુમ્બભાવથી કે દયાથી, મ્હારા જેવી અનેક રાંડીરાંડો સાસરીયામાં સમાસ પામે છે, અને એક ઠેકાણે ભોજાઈને જેનું મ્હો ગમતું નથી તેનું મ્હો સાસરાની દેરાણી જેઠાણી કે દીયર જેઠ જુવે છે અને બીજે ઠેકાણે સાસરીયાને દયા ન આવે તો ભાઈ બ્હેનને સંગ્રહે છે. કુસુમ, વગર પરણેલી કુમારિકા ભાઈને પણ ભારે પડે અને ભાઈ ક્‌હેશે કે પરણવાનું હાથમાં છતાં પરણતી નથી ને મ્હારે માથે પાંચશેરીયો થઈ બેઠી ! તને ખબર છે કે ગરીબ પીયરમાં પરણેલી દીકરી સાસરે જતાં વાર લગાડે તો ગાળો ખાય છે, તે જન્મારો સુધી માથે પડ્યા જેવી બ્હેન કીયા ભાઈને ગમવાની હતી ? ત્હારો ભાઈ આવશે, ને તું સાસરેથી ચાર દિવસની મહેમાન થઈ પીયર આવીશ તે ભાઈ ત્હારો સાત્કાર કરશે. પણ કુમારી રહી તો ભાઈ ત્હારો ભાર વેઠી શકશે નહી અને તેને ત્હારું મ્હો પણ નહીં ગમે. હું વિધવાને સુખ છે તે પણ તું કુમારી રહીશ તો તને નહી મળે !