પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭

જનાનામાં લેવામાં આવી હતી. ”આજના કાળમાં આ મંત્ર ઈંગ્રેજો સાધતા નથી તેનાં અનેક કારણ છે, પણ જે દેશી રાજાઓ જાતે અથવા પોતાના રાજપુરુષ દ્વારા ઈંગ્રેજ અધિકારીઓમાં ભોજનાદિ વ્યવહારમાં ભળે છે તેને આ મંત્રસાધનાનો કંઈક અનુભવ થાય છે. ચતુર્વર્ણમાં અને ચતુર્વર્ણ બ્હાર રજપુતેને ઈષ્ટવ્યવહાર ચલવવા શાસ્ત્રથી અને લોકાચારથી સ્વતંત્રતા મળેલી છે તે આ મંત્રસાધનાને અનુકૂળતા આપવાને જ માટે છે. ભોજનકાળે અને વિનોદ-વિહારને સ્થાને ઈંગ્રેજોનાં હૃદય ઉઘડે છે એવાં અન્યત્ર ઉઘડતાં નથી. તેમના ધર્મગુરુઓ અને તેમની સ્ત્રીઓ અન્ય પ્રજાઓને તેમનાં હૃદયમાં અવકાશ અપાવી શકે છે એવો અવકાશ અન્ય નિમિત્તોથી ક્‌વચિતજ મળે છે. આવા અવકાશ મેળવવાને કમલાવતી રાણીને કોઈ ઈંગ્રેજ સ્ત્રીનો પ્રસંગ કરી આપવો એવો સંકલ્પ મલ્લરાજે ઉત્તર કાળમાં યુવરાજ પાસે કરાવ્યો હતો.

મણિરાજ રાજ્યપતિ થયા પછી પિતાનો સંકલ્પ એને અન્ય કારણોથી પણ ઈષ્ટ થયો. શાસ્ત્ર પ્રમાણે આર્ય ક્ષત્રિયોને જેમ ભોજનાદિ ગમે ત્યાંથી ગ્રાહ્ય છે તેમ આર્ય બ્રાહ્મણોને વિદ્યા ગમે ત્યાંથી ગ્રાહ્ય છે. ક્ષત્રિયો રાજવિદ્યાના વિષયમાં એ વિદ્યાના બ્રાહ્મણ છે અને ઈંગ્રેજી વિદ્યા આજ રાજવિદ્યા છે તે વિદ્યારૂપે તે રાજભવનમાં પૂજ્ય છે. આજ કાલના રાજાઓના રાજવ્યવહારમાં કુલાચારને નામે અનેક અનાચાર ચાલે છે અને રાજકુમારો અને રાજસેવકોના રાજકાર્યમાં અનેક રીતે પ્રતિબન્ધરૂપ થાય છે. મલ્લરાજના કુળાચારનું એક સૂત્ર એ હતું કે “યુગે યુગે યુગાચાર.” પોતાના રાજભવનમાં આ સૂત્રના વિરોધી કુળાચાર પ્રવેશ પામે નહી અને પરરાજ્યોના જેવા ગંઠાઈ ગયેલા અદીર્ઘદર્શક અને પ્રતિબંધરૂપ કુળાચાર પોતાના કુળને ભ્રષ્ટ કરે નહી એવા હેતુથી રત્નનગરીના રાજભવનમાં સંસ્કૃત વિદ્યા સ્ફુરવા દેવામાં આવી હતી તે જ ન્યાયે ઈંગ્રેજી વિદ્યાને પણ માર્ગ આપવો એવો મણિરાજનો સંકલ્પ થયો અને વિદ્યાચતુરે તેનું અભિનન્દન કર્યું. આ યોજના પાર પાડવાને માટે ઈંગ્લેંડથી બ્રેવ સાહેબની વિધવા દ્વારા કોઈ ઉચ્ચ કુળની ઉચ્ચ શીલવાળી પંડિત સ્ત્રી શોધતાં મિસ ફ્‌લોરા નામની પચીશ વર્ષની કુમારિકા મળી આવી. તેને વર્ષેક દિવસથી કમલાવતી રાણીના શિક્ષણકાર્યમાં યોજી હતી, અને પતિવ્રતા રાણી પતિની આજ્ઞા ઉત્સાહથી સ્વીકારી અધિકારપદવી ભુલી જઈ શિષ્યા થઈ શિષ્યધર્મ પાળતી હતી.

કુમુદસુંદરીના શોકમાં ગુણસુંદરી ગ્રસ્ત થવાથી કુસુમના મન-ઉદ્યાનનું જલસેચન મન્દ પડ્યું હતું. કમલારાણીએ આવતાં જતાં તે જોયું અને