પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦

અમારા.. ચાલ- પ્રમાણે પરણવાનાં વર્ષ પણ કુસુમબ્હેનને થયાં નથી.”

સુ૦– “બાપનું દ્રવ્ય દીકરીને નકામું. વળી દીકરી પરણાવ્યાથી પાપ નથી ને ન પરણાવવી તેમાં પાપ છે. બાકી કન્યાદાન જેવું માબાપને બીજું પુણ્ય નથી. કન્યાદાન દેવું એ કાંઈ બળાત્કાર નથી. કન્યાદાન કન્યાના કલ્યાણ માટે છે ને બાળકનું કલ્યાણ માબાપ ઇચ્છે તેમાં બળાત્કાર ન કહેવાય.”

ઈંગ્રેજ કન્યાથી આ ભાષણ સમજાયું નહીં. કુસુમ તે સમજી અને બીજી વાત ક્‌હાડવા પ્રયત્ન આરંભ્યો.

“ ક્‌હો, કાકી, મરજી હોય તો મ્હારો અભ્યાસ આરંભીયે. પણ તે ઈંગ્રેજીમાં થવાનો એટલે તમારે વાંધો.”

“ના બ્હેન, તું ભણ અને હું બેઠી બેઠી જોઈશ કે ઈંગ્રેજી કેમ બોલો છો.”

બે કુમારિકાઓએ એક ઈંગ્રેજી પુસ્તકનું પ્રકરણ આરંભ્યું. તેમાં એક વાક્ય એવું આવ્યું કે “ He continued a lover, though they were married at least five years back.” કુસુમથી આનો વસ્તુ અર્થ સમજાયો નહીં. ફ્‌લોરા તે ઇંગ્રેજીમાં જ સમજાવવા લાગી.

“જ્યાં સુધી પુરુષ અપરિણીત હોય છે ત્યાં સુધી તેને સ્ત્રી ઉપર મોહ જુદો ર્‌હે છે. એ કાળની પ્રીતિમાં નવીનતા છે. નવીનતા પુરી થાય અને લગ્ન થાય તે પછી કાળક્રમે મોહ જાતે જ બંધ થાય છે એવો નિયમ છે એ નિયમમાં અપવાદ હોય તેની નવીનતા.”

કુ૦– “પારસી નાટકમાં એક દિવસ ગાયન હતું તે આવાજ અર્થનું હતું."

“ગુલ,–પ્રીત કરવી છે સ્હેલ ઘણી પણ નીભાવ બહુ મુશ્કિલ.”

ફ્‌લો૦– એમજ.

કુ૦– ત્યારે જે દેશમાં પ્રીતિના કારણથી અને સ્વતંત્રતાથી સ્ત્રીપુરુષો જાતે લગ્ન કરે છે તેનો મોહ આટલોજ ?

ફ્‌લો૦– એમજ.

કુ૦– તો પછીનો પ્રેમ કેવો હોય છે ?

ફ્‌લો૦– લગ્ન પછી દમ્પતીને પરસ્પરગુણદોષનો પરિચય થાય છે, તેને અંતે ઉભયનો ગુણસંવાદ નીકળે ત્યાં મિત્રતા થાય છે અને બાકીનો વર્ગ સુખે દુઃખે કે સંતાપથી જીવનનો નિર્વાહ કરે છે અથવા લ્હડે છે.