પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫


“સ્વામીજીએ જ કલ્યાણનું સ્થાન બતાવ્યું ને તે મને ગમ્યું છે :-

[૧]“कुरङ्गः कल्याणं प्रतिविटपमारोग्यमटवि
“स्रवन्ति क्षेमं ते पुलिन कुशलं भद्रनुपलाः ।
“निशान्तादस्वन्तात्कथमपि विनिष्क्रान्तमधुना
“मनोऽस्माकं दीर्घामभिलषति युष्मत्परिचितिम् ॥

“એ..આવા...આવા શ્લોક રાતદિવસ સાંભળ્યાં કરીયે, વાંચ્યાં કરીયે, ને એવાંજ સ્થાનમાં ર્‌હીયે તો પછી બાકી શું જોઈએ ? પણ ગાય ને દીકરી તો વળાવે ત્યાં જાય ! શું પિતાજી મ્હારો અભિલાષ પુરો નહી પાડે? શું આ મ્હોટા ખાડામાં હું પડવાને જ સરજી છું ?"

વિચાર કરતી કરતી ચાલી. પોતાના ખંડ આગળ આવી ને વિચારમાં ને વિચારમાં કમાડ સાથે માથું પછડાયું, ત્હોયે તે ચમકી નહી. ત્યાં ઉભી ઉભી જાગી હોય તેમ બેાલવા લાગી.

“હાં હાં ! જખ મારે છે. પિતાજી ગમે તે કરે પણ વર મળશે ત્યારે પરણાવશે કની ? સરસ્વતીચંદ્ર જડવાના જ નથી ને બીજો વર મળવાનો જ નથી. પિતા મ્હારા સામું નહી જુવે પણ અનાથનો બેલી ઈશ્વર કહ્યો છે તે યે શું મ્હારા સામું નહીં જુવે ?”

નવી આશાના ઉમંગથી સ્વસ્થ થયેલી બાળકી કમાડ ઉઘાડી અંદર પેઠી અને કમાડ વાસી દીધાં.

સુન્દર સઉ સાંભળતી પાછળ પાછળ ચાલતી હતી તે ઉભી રહી અને છાતીએ હાથ કુટી બોલી ઉઠી.

“છોકરી ! ગજબ કર્યો ! હવે તે તું બાપની એ ન રહી !”


  1. ઓ મૃગો ! તમારૂં ક૯યાણ થાવ. વૃક્ષોની શાખાએ શાખાએ આરેાગ્ય ઝરનારા જંગલ! તું ક્ષેમ ર્‌હો! રેતી ભરેલા નદીતીર ! ત્હારું કુશલ હો! ઓ શિલાઓ ! તમારું ભદ્ર હો ! દુષ્ટ પરિણામવાળા આ નિશાન્તમાંથી મહાપ્રયત્ન વડે બ્હાર નીકળી જઈ અમારું મન હવે તમારાં દીર્ઘ પરિચયનો અભિલાષ રાખે છે.


પ્રકરણ ૯.
સૌભાગ્યદેવીનું અખંડ સૌભાગ્ય.

"ગૃહસંસારના પ્રશ્ન રાજ્યતંત્રના પ્રશ્નો જેવા જ વિકટ છે ! સુન્દર ગૌરી ક્‌હે છે કે કુસુમને ભણાવી ન હત તો આવા અભિલાષ ન રાખત ! હીંદુ સંસારી ક્‌હે છે કે કન્યાને સર્વદા કુમારિકા ન રાખવી. નવીવિદ્યા ક્‌હે છે કે આપણા ઘરમાં બાળક વયનું પણ મનુષ્ય જ છે