પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬

અને તેને બલાત્કારે તો શું પણ સજ્ઞાન વય થતા સુધી પરણાવવાનો વિચાર પણ અન્યાય છે ! કુસુમને વિરક્તિના અભિલાષ છે; આર્યસ્ત્રીયોને વૈધવ્ય-કાળ વિના વૈરાગ્ય અશકય છે ! એના અભિલાષ સિદ્ધ કરવાથી આ દેશકાળમાં તેને આમરણાન્ત દુઃખ શીવાય અન્ય પરિણામ નથી, ન્યાય જોવો કે પરિણામ? એક પાસ પુત્રીની સ્વતંત્રતા નષ્ટ કરવાનો અન્યાય અને બીજી પાસ હીંદુસંસારની વ્યવસ્થામાં કુમારિકા સ્ત્રીને માટે સજ્જ કરેલાં ભયંકર પરિણામ ! નવી અને જુની વિદ્યાઓએ મને આમ સુડી વચ્ચેના સોપારી જેવો કરી દીધો છે!”

આવા વિચારોમાં ડુબી ગયેલો પણ હસતો હસતો વિદ્યાચતુર એક મધ્યાન્હે પોતાના આરામાસનમાં ડુબી ગયો, અને કરેલા ભોજનને નીશો ચ્હડેલો તેથી નિદ્રાવશ થઈ ગયો. થોડી વારે તેની આંખ ઉઘડી ત્યાં સામે એક આસનઉપર ગુણસુંદરી બેઠેલી. એના હાથમાં પોસ્ટમાં આવેલા પત્રોના લખોટા હતા અને એનાં નેત્રમાં એકાંત અશ્રુધારા ચાલી રહી હતી. પતિ જાગતાં તે સ્વસ્થ થઈ ગઈ અને તેના હાથમાં પત્રસમુદાય મુકતી મુકતી કરમાયલે મુખે બોલી; “સૌભાગ્યદેવીએ પણ સ્વર્ગવાસ કર્યો !”

“હેં ! શું થયું?” કરી વિદ્યાચતુર ચમકી ઉઠ્યો અને પત્રો હાથમાં લેતો પત્નીની સામું આતુરતાથી અને શોકથી જોઈ રહ્યો.

પુત્ર દુષ્ટ નીવડ્યો અને પરલોકમાં ગયો; કુમુદ પણ ગઈ અને પ્રમાદધનને લીધે જ ગઈ ! સાથે લાગો સર્વ પાસથી માર પડ્યો અને માયાળુ હૈયું ફાટી ગયું. બુદ્ધિધનભાઈને માથે હવે બાકી ન રહી. આવી સદ્‌ગુણી અને સ્નેહાળ જોડ ખંડિત થઈ પ્રભુને એ જ ગમ્યું. આપણું દુ:ખ હવે ઢંકાઈ ગયું. ઈશ્વરે કાંઈક તેના સામું જોયું છે તે છ માસનો ગર્ભ પુત્ર અવતર્યો છે. પણ એટલા અણવિકસ્યા ફુલ ઉપરની આશા તે તો કાચા સુતરનો તાંતણો!” ગુણસુંદરી બોલી.

વિધાચતુરે કાગળો એક ટેબલ ઉપર મુકી દીધા અને આસનમાં એનું શરીર કળી ગયું અને આંખોમાં પાણી ભરાઈ આવ્યું.

"ગુણીયલ ! બહુ માઠું થયું ! યુવાવસ્થા ઘા ભુલે છે, પણ ઉતરતી અવસ્થામાં પડેલા ઘા વકરે છે. જ્યારે સ્ત્રીપુરુષ વૃદ્ધ થાય છે ત્યારે પરરપરઆશ્રયની અપેક્ષા વધે છે. મહારાજ મલ્લરાજને અંતકાળે મેનારાણીની સેવાથી જ સુખ હતું ! ભવભૂતિએ સ્નેહનું પરિણામ વૃદ્ધ અવસ્થામાં મૂકયું છે –