પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮

વિ૦— "તો એ ન્યાય ઈશ્વરને જ સોંપી એ વાતનો તું વિચાર કરવો જ છોડી દે તો શું?"

ગુ૦— "હું છોડું પણ વિચાર છુટતો નથી. કુમુદ ગઈ ! હવે એક કુસુમ છે તેને કુમારી રાખો કે પરણાવો ! મ્હારું આયુષ્ય ન હોય તો મ્હારે વિચાર ન કરવો પડે. સંસાર દુઃખમય છે."

વિ૦— "હવે બીજી વાત જ કરો. આ પત્રોમાં ત્હેં કહ્યું તે જ છે કે કાંઈ મ્હારે જાણવા જેવું વિશેષ છે?"

ગુ૦— "એક પત્ર અલકકિશેારીનો છે ને બીજો વનલીલાનો છે તે મ્હેં વાંચ્યા છે. બીજા પત્રો પુરુષોના છે તે મ્હેં ઉધાડ્યા નથી."

વિ૦— "આ જ સમાચાર એમાં હશે?"

ગુ૦— "અલકકિશોરી પોતાના પિતાને માટે કુસુમનું માગું કરે છે, વનલીલા પણ એજ વીશે લખે છે."

વિદ્યાચતુર આભો બન્યો. "કુસુમ બુદ્ધિધનને માટે?"

ગુણસુંદરી સ્વસ્થ રહી બોલી: — "કનિષ્ટિકાએ કાલિદાસ કવિનું નામ આવ્યું અને બીજી અાંગળીએ મુકવા જેવો કોઈ મળ્યો નહી તેથી એ અાંગળી નામવગરની રહી ને અનામિકા ક્‌હેવાઈ. આપની કનિષ્ટિકાએ જડેલા સરસ્વતીચંદ્ર ખોવાયા અને અનામિકા નામવગરની રહી છે. પણ ત્રીજી આંગળી મ્હોટી છે ને ત્યાં મ્હોટા વયના બુદ્ધિધનભાઈને મુક્યા વગર છુટકો નથી, દેશ પરદેશ નાતમાં કોઈ બીજો નથી."

વિ૦— "ગુણીયલ, તું શું બોલે છે? દુઃખબા બ્હેનની ભાણીને માટે જે વયનો વર ત્હેંજ ન જોયો તે કુસુમને માટે જોવાની આ વાત તું શી કરે છે?"

ગુ૦— "ખરી વાત છે. કુમુદના દુઃખથી મ્હારી બુદ્ધિ નષ્ટ થઈ છે ને કુસુમની ચિન્તાથી મન ધુમાડાના બાચકા ભરે છે, પણ મને જે સુઝે છે તે આ."

વિ૦— "પ્રમાદને કુમુદ દીધી તે કાળે ઉતાવળ થઈ ગઈ તો પશ્ચિમ બુદ્ધિએ પશ્ચાત્તાપ કરાવ્યો. પણ એ તો એકલી વિદ્યાનું જ કજોડું હતું અને આ તો સાથે વયનું પણ કજોડું!"

ગુ૦— "અલકનો પત્ર કાળજું વલોવે છે, તેને કુમુદ ઉપર ખરો સ્નેહ હતો ને વચન આપે છે કે બુદ્ધિધને દેવી ઉપર જે સ્નેહ રાખેલો તે ઉપરથી સમજી લેવું કે કુસુમને પણ તેવાજ સુખની સીમા થશે.